કોરોના સામે રક્ષણ મેળવવા ઢોલ-ત્રાંસા વગાડી હવન કરતા , ૧૦૦થી વધુ લોકો સામે ફરિયાદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
હિંમતનગર:સાબરકાંઠાઃ એકતરફ રાજ્યમાં જ્યારે કોરોનાનો ભરડો જાેવા મળી રહ્યો છે લોકો એકત્ર ન થાય તે માટે તંત્ર અને સરકાર આંશિક લૉકડાઉન અને અનેક પગલાં લઇ રહી છે. ત્યારે સાબરકાંઠાનાં પ્રાંતિજના લાલપુર ગામે કોરોના કાબુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇને હવન પૂજા કરી હતી. પ્રાંતિજ પોલીસે ૧૦૦થી વધુ લોકો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. જ્યારે ૫૮ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પ્રાંતિજ તાલુકાના લાલપુર ગામે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઢોલ ત્રાંસા તથા માથા પર પાણીનાં બેડા લઇને એકઠા થયા હતા. ગામનાં સ્થાનિકોએ એકઠા થઈ હવનનો કાર્યક્રમ કર્યો હતો. જેના વીડિયો ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાય છે કે, ગામનાં લોકો ઢોલ અને ત્રાસ વગાડતા વાડતા એક રસ્તા પરથી જઇ રહ્યાં છે. પહેલા મોટી સંખ્યામાં પુરુષો દેખાય છે. જેમાં થોડા પુરુષોનાં હાથમાં એક કાપડ ઢાંકેલી થાળી પણ છે. તેમની પાછળ મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકીઓ દેખાઇ રહી છે. તેમના માથા પર પાણીનાં બેડા જાેવા મળી રહ્યાં છે અને કેટલીક છોકરીઓના હાથમાં ઢાંકેલી થાળી પણ જાેવા મળી રહી છે.
મોટી સંખ્યામાં એકસાથે જઇ રહેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાળવતા નથી આ સાથે મોટાભાગનાં લોકોએ માસ્ક પણ પહેર્યું નથી. તો વીડિયો જાેઇને પ્રશ્ન થાય કે, આ લોકો કોરોનાથી સુરક્ષા મેળવવા જાય છે કે, કોરોનાનો ભરડો વધારી રહ્યાં છે.
નોંધનીય છે કે, સાબરકાંઠામાં કોરોનાકાળ દરમિયાન ચાલુ મે માસના ૨૧ દિવસ જિલ્લા માટે દહેશત પૂર્ણ સાબિત થયા છે. આ મહિનાનાં ત્રણ સપ્તાહમાં ૨૩૪૮ નવા કેસ નોંધાયા હતા. જાેકે ઉત્સાહજનક બાબત એ છે કે, આ ત્રણ સપ્તાહ દરમિયાન ૨૧૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. સરકારી રેકોર્ડમાં મે -૨૦૨૧ના પ્રથમ ૨૧ દિવસમાં સૌથી વધુ ૫૭ મોત નિપજ્યા છે. સાબરકાંઠામાં ૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ છેલ્લા ૧૩ માસ પૈકી મે -૨૧ના પ્રથમ ત્રણ સપ્તાહમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.