Western Times News

Gujarati News

કોંગ્રેસ ક્યારે તેના કારમા પરાજયો માટે શરમ અનુભવશે…

કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીના પાટનગર સ્થિત આલીશાન ૧૦, જનપથ બંગલાની બહાર સન્નાટો છવાયેલો છે તે ફકત કોરોના રોગચાળાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે જ નથી. આ સન્નાટા અને ઉદાસી માટે મુખ્ય રૂપથી પશ્ચિમ બંગાળમાં થયેલા કારમા અથવા તો શરમજનક પરાજય પણ જવાબદાર છે.

પશ્ચિમ બંગાળ અને આસામ, કેરળ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પક્ષે, કેરળમાં ડાબેરીઓએ તથા આસામ અને પોંડીચેરીમાં ભાજપે સત્તા મેળવી છે. એટલે કે કોંગ્રેસના સૂપડાં સાફ થયા છે. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના મુખ્ય નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં જે સ્થાનો પર ચૂંટણીસભા યોજી હતી તે બેઠકો પર મતદાતાઓએ કોંગ્રેસને જાકારો આપ્યો અને તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ.

પરિણામરૂપે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ખાતું જ ના ખોલાવી શકી. ર૯ર બેઠક ધરાવતી બંગાળની વિધાનસભામાં કોંગ્રેસને એકપણ બેઠક ન મળી તે એક અભૂતપૂર્વ પરિણામ હતું. મતની ટકાવારી પ્રમાણે જાેઈએ તો બંગાળમાં કોંગ્રેસને ફકત ૩.૦ર ટકા મત મળ્યા હતા, જેની સામે પાછલી ચૂંટણીમાં તેને ૧ર.રપ ટકા મત મળ્યા હતા.

જનતા વચ્ચેથી કોંગ્રેસનો ગ્રાફ સતત ઘટતો જાય છે અને તેને રોકવાની કોશિશ પણ નજરે ચડતી નથી. રાહુલ ગાંધીએ ૧૪ એપ્રિલે મતિગારા- નકસલવાડી તથા ગોલપોરખમાં રેલીઓ કરી હતી. આ તમામ સ્થાન પર કોંગ્રેસના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. તેઓ ફકત હાર્યા જ નથી. તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ દરેક વખતની જેમ આ વખતે પણ હારનું વિશ્લેષણ કરશે પરંતુ તેનો નિષ્કર્ષ કોઈ નહીં નીકળે. સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણીમાં અત્યંત ખરાબ પ્રદર્શનની ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી છે. વાસ્તવમાં દેશ સતત કોંગ્રેસને નકારી રહ્યો છે.

પશ્ચિમ્‌ બંગાળમાં કોંગ્રેસે ડાબેરી દળો સાથે જાેડાણ કર્યું હતું રાજયની જનતા પણ ધ્યાનથી જાેઈ રહી હતી કે જે બે દળ રાજયમાં દાયકાઓ સુધી એકબીજાના જીવના દુશ્મન રહ્યા તે હવે સાથ-સાથ કેવી રીતે આવી ગયા. તેમનું મિલન જનતાની સમજમાં જ ન આવ્યું અને આ અવસરવાદી જાેડાણને જનતાએ ફગાવી દીધું. એક કારણ એ પણ હતું કે આ ગઠબંધનમાં કટ્ટર મુસ્લિમ સાંપ્રદાયિક નેતા પણ સામેલ હતા જેને હિન્દુઓએ નકારી દીધા હતા.

આશ્ચર્યની બાબત તો એ છે કે મુર્શિદાબાદ અને માલ્દા જિલ્લાની બેઠકો પર પણ કોંગ્રેસનો પરાજય થયો. આ ક્ષેત્રોને પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓની વિશાળ રેલીઓ તો યોજાઈ પણ વોટ ના મળ્યા. બંને પક્ષનો પરાજય થયો. આ બંને પક્ષે અલગ-અલગ સમયે આ રાજયમાં લાંબો સમય સુધી રાજ કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં જે લડાઈમાં હતું તે પરિણામમાં પણ છે. જાેપાછલી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને ડાબેરીઓને કુલ ૭૬ બેઠકો મળી હતી .તો આ વખત શું થઈ ગયું ? એક વાત તો એમ પણ લાગે છે કે કોંગ્રેસની હાર માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ જવાબદારી લેવી પડશે.

કોંગ્રેસમાં કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ્‌, મનીષ તિવારી, અભિષેક મનુ સિંઘવી સહિત ડઝન જેટલા કોંગ્રેસ નેતાઓ છે જેમને જનતા સાથે કોઈ સંબંધ સુદ્ધાં નથી. આ લોકો દિલ્હીના આલીશાન બંગલાઓમાં બેસીને રાજનીતિ કરે છે. આ બધા ખૂબ જ માલદાર ધનિક વકિલો છે. વકીલાતમાંથી જે થોડો સમય મળે છે તેમાં રાજનીતિ કરી લે છે. તેમને લાગે છે કે ખબરિયા ચેનલો પરની ડિબેટમાં આવવાથી તેઓ પાર્ટીની મહાન સેવા કરી રહ્યા છે.

જાેકે એ પણ સત્ય છે કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ પક્ષ પ્રચારની શરૂઆતથી જ ક્યાંય ન હતો. રાજયમાં મુખ્ય લડાઈ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે જ હતી. કોંગ્રેસ તો બસ પોતાની હાજરી જ દેખાડતી હતી. કોંગ્રેસે લડાઈમાં આવવાની કોશિશ પણ કર્યાં કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પણ જાણ હતી કે આ વખતે તેમને માટે કોઈ આશા નથી.

પરંતુ એવું કોઈએ નહોતું વિચાર્યું કે તેમનું ખાતું પણ નહીં ખૂલે. જુઓ પાછલા બે દાયકાથી કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી સતત નબળી પડી રહી છે. કેમ કે તે કોંગ્રેસને કોઈ વિજય અપાવી શકી નથી. કેન્દ્રીય નેતૃત્વ ત્યારે જ તાકાતવાન હોય છે જયારે જનતાની વચ્ચે તેની કોઈ શાખ હોય. તેથી હવે માનવામાં આવે છે કે તેમની સામેનો વિરોધનો અવાજ હવે વધારે બુલંદ થશે.

પાછલા ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને યાદ કરીએ. ત્યારે પણ કેરળ અને પંજાબને છોડીને દેશભરમાં કોંગ્રેસનું પ્રદર્શન સેતોષજનક રહ્યું ન હતું. પંજાબમાં કોંગ્રેસનો મતલબ રાહુલ ગાંધી નથી. ત્યાં તો પૂર્વ પટિયાલા નરેશ કેપ્ટન અમરિંદરસિંઘની બોલબાલા છે. આ કેપ્ટન સામે રાહુલ ગાંધીએ ક્યારેય નવજાેતસિંઘ સિદ્ધુને ઉભો કર્યો હતો. સિદ્ધુ રાહુલ ગાંધીના પ્રિય છે. કેપ્ટનની નામરજી હોવા છતાં સિદ્ધુને કોંગ્રેસમાં એન્ટ્રી મળી હતી. રાહુલે સિદ્ધુને સમગ્ર દેશમાં પ્રચાર માટે મોકલ્યા હતા.

સિદ્ધુએ દેશભરમાં મોદીજી સામે તેની ગટરછાપ ભાષાનો ઉપયોગ કર્યો. આ બધું જનતા જાેતી હતી. સિદ્ધુ જયાં પણ ગયા ત્યાં તેના પક્ષનો પરાજય થયો. આમ તો લોકશાહીમાં વાદવિવાદ- સંવાદ થતો રહેવો જાેઈએ. સંસદમાં પણ ખૂબ સાર્થક દલીલો થવી જાેઈએ. લોકશાહીની મજબૂતાઈ માટે આ પ્રથમ શરત છે. પરંતુ લોકશાહીનો એવો અર્થ કયારે થઈ ગયો કે તમે તમારા રાજકીય વિરોધીઓ પર સતત ખોટા આરોપો લગાવ્યા કરો.

કોંગ્રેસની એક બીજી મોટી સમસ્યા એ પણ છે કે હવે તેની દુકાનમાં એવી કોઈ ચીજ નથી કે જેને જાેઈને જનતારૂપી ગ્રાહકો તેની સાથે જાેડાય. કોંગ્રેસ પાસે યુવાન નેતાઓનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે. દેશનો યુવાન પોતાને કોંગ્રેસ સાથે નથી જાેડતો. આ જ કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા છે.

જાે તેનાથી નવયુવાનો જ દુર થઈ જશે તો પછી તેની સાથે પોતાને જાેડશે કોણ ? કોંગ્રેસના હાઈ કમાન્ડે પોતાની ભૂલોને જાેવી પડશે અને દેશનાં હિતમાં પક્ષને ઉભો પણ કરવો પડશે. દેશ કોંગ્રેસ પાસેથી સશક્ત વિપક્ષની ભૂમિકાની અપેક્ષા રાખે છે. લોકશાહીમાં વિપક્ષની ભૂમિકાને ઓછી આંકી શકાય નહી. મજબુત વિપક્ષ સરકારના કામકાજ પર નજર રાખીને તેનો યોગ્ય મુદ્દાઓ પર ઘેરી શકે છે. પરંતુ કોંગ્રેસે તો પોતાની સ્થિતિ જ એકદમ દયનીય કરી દીધી છે. ભારતીય લોકશાહી માટેઆ એક ચિંતનનો વિષય છે. – આર.કે.સિંહા (લેખક પૂર્વ સાંસદ છે)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.