Western Times News

Gujarati News

મરડામાં સૂક્ષ્મ જીવાણું કે અન્ય ઈન્ફેકશન કે, વાઈરસથી ચોમાસામાં થાય છે

એક જમાનો એવો હતો કે, જયારે શ્રમનું મહત્વ હતું એમ ચિંતા ઓછી હતી ત્યારે પાચનને લગતા રોગો ઓછા થતા હતા. નવા જમાનામાં પરિસ્થિતિ બદલાઈ છે એટલે પાચનને લગતાં રોગો વધ્યા છે. એમાંનો એક ગંભીર રોગ છે રક્તાતિસાર આ વ્યાધિની સમયસર યોગ્ય ચિકિત્સા કરવામાં આવે નહી અને પથ્ય ખોરાક લેવામાં પૂરતી કાળજી લેવામાં આવે નહી તો ઘાતક પણ બની શકે છે. આ વ્યાધિને આધુનિકના અલ્સરેટીવ કોલાઈટીસ સાથે સરખાવી શકાય. ગુદા અને મોટા આંતરડામાં થતો આ વ્યાધિ છે.

આધુનિક દ્રષ્ટિએ આ વ્યાધિ જીવાણુંજન્ય છે. મરડામાં સૂક્ષ્મ જીવાણું કે અન્ય ઈન્ફેકશન કે, વાઈરસથી આ વ્યાધિ થાય છે.
આ વ્યાધિની શરૂઆત ગુદાથી થાય છે. શરૂઆત સોજાથી થાય પછી જીણા જીણા ચાંદા પડે છે. આથી રક્ત સાથે પ્રવાહી મળપ્રવૃત્તિ અવારનવાર થાય છે. વજન ઘટે છે.

રકત ઘટવાથી શરીર ઓછું સફેદ અને ઓછુુ પીળું દેખાય છે નબળાઈ લાગે છે કોઈ વખત અંધારા આવે છે મોંમાં ચાંદા પડે, પીંડીઓમાં કળતર થાય, મળ પ્રવૃતિ વખતે પેડુમાં પીડા થાય માનસિક તણાવ વધે. રોગની તીવ્ર અવસ્થામાં રક્તયુકત ઝાડા વધી જાય. જેથી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ થવું પડે.

રોગ કાબુમાં આવે એટલે દર્દી ઘરે રહી પથ્ય ખોરાક સાથે ચિકિત્સા શરૂ રાખે છે. રોગ કાબુમાં આવે છે. રોગ મટી ગયો હોય એવું દર્દીને લાગે છે. ફરી ટેન્શન વધે કે ઉષ્ણ ભારે ખોરાક લેવામાં આવે એટલે કે ફરી રક્તયુક્ત ઝાડા શરૂ થાય છે. પણ કેટલાક કેસમાં નિરાશ થવું પડે છે.

આયુર્વેદમાં છ પ્રકારના અતિસાર-ઝાડા કહ્યા છે. રક્તાતિસાર ઝાડાનો એક પ્રકાર છે. આ વ્યાધિ થવાના કારણો વિશે કહે છે કે, ભારે અન્ન અને અજીર્ણમાં ખોરાક ચાલુ રાખવો અને વિરુધ્ધ પદાર્થોનું સેવન કરવું એ ઝાડાના મુખ્ય કારણો ગણાવ્યા છે. આ ઉપરાંત ઉષ્ણ, તીક્ષ્ણ, રૂક્ષ, અતિક્ષારવાળા અને વાતપ્રકોપ કરનારા પદાર્થોનું લાબો સમય સેવન, ભય, શોક અને ક્રોધથી અવારનવાર પીડાવું. મરડા અને તીવ્ર ઝાડાની જડમુળમાંથી મટી જાય ત્યાં સુધી ચિકિત્સા નહીં કરવાથી અને સૂક્ષ્મ કૃમિઓથી રક્તાતિસાર થાય છે. એવું આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના વૈદ્ય શિવદત્ત શર્માએ આ વ્યાધિ પર સંશોધનાત્મક દૃષ્ટિએ થોડા દર્દીઓ પર અભ્યાસ કર્યો છે એમને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. આ વ્યાધિ પિત્ત અને વાયુપ્રધાન હોવાથી આયુર્વેદની દૃષ્ટિએ દોષ શયન, રક્તસ્તંભન, મનને આનંદમાં રાખવું, ઝાડાને કાબુમાં રાખવા, જઠરાગ્નિ વધારવો, ચાંદાને રુઝવવા, હીમોગ્લોબીન વધારવું, રસાયન કરવું વગેરે બાબત ચિકિત્સા વખતે કેન્દ્રસ્થાને રાખવામાં આવેલ.

પથ્ય આહારવિહારનું કડક પાલન કરવાથી રક્તતિસાર થવાના કારણોત્યજવાથી અહી આપેલ ઔષધોનું નિયમિત સેવન કરવાથી, માનસિક અને શારીરિક આરામ કરવાથી બે માસમાં લક્ષણો લગભગ અદશ્ય થયા. છ માસમાં રોગમુક્ત થયા અને એક વર્ષ ચિકિત્સા નિયમો સાથે ચાલુ રાખવાથી સારું થયું.

મુખ્ય ઔષધમાં કુટજાદિકવાથ- જેમાં કડાછાલ, દાડમફળ છાલ, મોથ, થાવડીફુલ, બિલ્વફળ, લોધ્ર, ચંદન, પાઠા સરખે ભાગે લઈ અર્ધ કચરા કરી એમાંથી ૧૦ થી ૧પ ગ્રામ પાવડરનો ઉકાળો બનાવી સવાર-સાંજ મધ અથવા સાકર સાથે આપવામાં આવતો હતો. બિલ્વ અવલેહ એક ચમચી ત્રણ વખત આપવામાં આવતો હતો. જરૂર મુજબ તુણકાન્તમણી ભસ્મ, બોલપપટી વગેરેનો ઉપયોગ થતો. ખોરાકમાં સુપાથ્ય પિત્તશામક અને ગ્રાહી આપવામાં આવતો. દાડમ, સફરજન વગેરે પિત્તશામક ફળો આપવામાં આવતા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.