પોલીસ મથકની ફૂટપાથ પર પાર્ક વાહનો ટો-કરવા યુવકે ટોઈંગ વાન રોકી હંગામો કર્યો
રોડ-ફૂટપાથ પરથી વાહનો ઉપાડી દંડ કરતા સ્ટાફ સાથે ઝઘડો કર્યો
અમદાવાદ, સાબરમતી પોલીસ સ્ટેશનની ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો ટો કરવા માટે ટ્રાફિક વિભાગની ટોઈંગ વાનને રસ્તામાં ઉભી રાખી દઈ હંગામો કરનારા એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. ટ્રાફીક ડીપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલે રાહુલ મનિહાર નામના યુવક સામે ગાળો બોલી ઝપાઝપી કરવાની ફરીયાદ નોંધાવી છે. ટ્રાફિક એલ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ટોઈંગ વાન ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કાંતિભાઈ મજુરો સાથે સાબરમતી ટોલનાકા વિસ્તારમાં રોડ ઉપર તેમજ ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો ટો કરી રહ્યા હતા.
બપોરે સવા એકાદ વાગ્યાના સુમારે એક ટુ વ્હીલર ચાલકે ફૂટપાથ અને રોડ ઉપર રહેલા વાહનો ટા કરી રહેલા મજુરો તેમજ પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી ઝઘડો કર્યો હતો. ટોઈંગ વાન સાબરમતી પોલીસ સ્ટેશન તરફ આગળ વધી ત્યારે ઝઘડો કરનારા અજાણ્યા યુવકે તેનું ટુ વ્હીલર ટોઈંગ વાન આગળ મુકી દઈ વાનને પોલીસ સ્ટેશન પાસે અટકાવી દીધી હતી.
ત્યારબાદ યુવક તેના મોબાઈલ ફોનમાં ફોટા પાડવા લાગ્યો હતો. અને પોલીસ સ્ટેશનની ફૂટપાથ પર પાર્ક કરેલા વાહનો ટા કરવા માટે મોટા અવાજે બોલવા લાગ્યો હતો.
ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કાંતિભાઈએ નોંધાવેલી ફરીયાદ અનુસાર અજાણ્યા યુવકે તેમનો હાથ ખેંચી મેમો બુક છીનવવાનો પ્રયાસ કરી ધક્કામુક્કી કરવા લાગ્યો હતો. દરમ્યાનમાં સાબરમતિ પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવતા તેમને ગાળો આપી ટોપી-પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી. આખરે પોલીસે બળપ્રયોગ કરી રાહુલ શ્યામસુંદર મનિહાર (ઉ.વ.૩૪, રહે.સિધ્ધક્ષેત્ર સોસાયટી, સર્વોતમનગર પાસે, જવાહર ચોક, સાબરમતી) ને ઝડપી લઈને તેની ધરપકડ કરી હતી.