Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનનો મેગા સેલ -બોડકદેવમાં ૩૦ ચો.મી ક્ષેત્રફળવાળા મકાનનું માસિક ભાડુ રૂા.૮૩૬

લારી ઉભી રાખવાની જગ્યાના ભાડા કરતા પણ સસ્તા દરે મકાન ?

(પ્રતિનિધિ) અમદવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસીંગ પ્રોજેકટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા મકાનો નજીવા ભાડાથી ખાનગી કોન્ટ્રાકટરોને રપ વર્ષ માટે લીઝ પર આપવાની દરખાસ્તે ભારે વિવાદ થયા બાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ તે અંગે કોઈ નિર્ણય લીધો નથી.

ચોંકાવનારી બાબત એ છે કે એક હજાર કરતા વધુ પાકા મકાનોને લારી મુકવા માટે વસુલ કરવામાં આવતા ભાડા કરતા પણ સસ્તા દરે આપવા માટે અધિકારીઓ તૈયાર થતા તેમાં ભ્રષ્ટાચારની શંકા પ્રબળ બની છે. જયારે ગરીબો માટે તૈયાર કરવામાં આવતા મકાનોની ફાળવણી થતી ન હોય કે કોઈ લેવા માટે તૈયાર ન હોય તો ઈઉજી માટેના રીઝર્વ પ્લોટ પર બાંધકામનો ખર્ચ ન કરવા તેમજ પ્લોટના બારોબાર વેચાણ કરી આવક થાય તે દિશામાં કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે.

કોરોના કાળમાં પરપ્રાંતિય શ્રમિકો તેમજ ગરીબ વર્ગને થયેલ હાલાકી બાદ કેન્દ્ર સરકારે એફોડેબલ રેન્ટલ સ્કીમની જાહેરાત કરી હતી જેમાં પડતર પડી રહયા હોય તેવા મકાનો ગરીબ અને પરપ્રાંતિય શ્રમિકોને ભાડે આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા શુભ આશયથી જાહેર કરવામાં આવેલી યોજનાનો દુરુપયોગ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયો છે. થલતેજ જેવા વિસ્તારમાં ૩૦ ચો.મી.ના કુલ ૧૩૭૬ મકાનો રપ વર્ષ માટે ખાનગી કોન્ટ્રાકટરને સોંપવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

જેમાં ૧૦ર૪ મકાનની પહેલી દરખાસ્તમાં કોન્ટ્રાકટરને ર૦ ટકાની છુટ આપી ૮૦ ટકા મકાનો ભાડે જશે તે આધારે ગણત્રી કરવામાં આવી છે. મ્યુનિ. હાઉસીંગ પ્રોજેકટના કર્મનિષ્ઠ અધિકારીઓની ગણત્રી મુજબ ૧૦ર૪ ના ૮૦ ટકા લેખે ૮ર૦ મકાનો ભાડે આપવામાં આવશે. જેના ભાડા પેટે કોન્ટ્રાકટરને રપ વર્ષમાં રૂા.૧૮ર.પ૩ કરોડ મળશે. જેની સામે મ્યુનિ. કોર્પોરેશનને રપ વર્ષમાં રૂા.ર૦.પ૭ કરોડ આપવામાં આવશે.

સદર ગણત્રી મુજબ કોન્ટ્રાકટરને રપ વર્ષમાં મકાન દીઠ રૂા.રર.ર૬ લાખ તેમજ માસિક ભાડા પેટે રૂા.૭૪ર૦ મળશે. જેની સામે મનપાને રપ વર્ષમાં મકાન દીઠ રૂા.ર.પ૦ લાખ તેમજ માસિક રૂા.૮૩૬/- (રૂા.આઠસો છત્રીસ પુરા) મળશે બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં ૩૦ ચો.મી. ના આર.સી.સી. બાંધકામવાળા મકાનનું ભાડુ મનપાને દર મહીને રૂા.૮૩૬ મળશે.

નોંધનીય બાબત એ છે કે હાઉસીંગ પ્રોજેકટ વિભાગ દ્વારા પ્રતિ આવાસ રૂા.૩.પ૮ લાખની કિંમત સાથે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જયારે એસ્ટેટ વિભાગે ડીસેમ્બર-ર૦ર૦ માં દર મહીને રૂા.૬ હજાર ભાડા ભાવ આપ્યા હતા. પરંતુ હાઉસીંગ પ્રોજેકટના અધિકારીઓને ઉતાવળ હોવાથી મકાન દીઠ રૂા.૩પ૦૦ ભાડાની ગણત્રી સાથે ટેન્ડર જાહેર કર્યા હતા.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ત્રણ વર્ષથી મકાનની ફાળવણી શા માટે કરવામાં આવી ન હતી ? તેનો જવાબ લેવાની જરૂર છે. મ્યુનિ. કોર્પોરેશનના કરોડો રૂપિયાના કીંમતી પ્લોટ પર કરોડો રૂા.માં જ બાંધકામનો ખર્ચ કર્યા બાદ તેને ખંડેર થાય ત્યાં સુધી મુકી રાખવામાં આવે છે

ત્યારબાદ માસિક રૂા.૮૩પ જેવી નજીવી રકમમાં મળતીયાઓને ભાડે આપવા માટે તખ્તો તૈયાર થાય છે આ ભ્રષ્ટાચારને રોકવામાં આવે તે જરૂરી છે તેમજ આ મકાનોના કોઈ ખરીદનાર ન હોય તો કોન્ટ્રાકટર અને અધિકારીઓના લાભાર્થે બનતા બંધ કરવા જરૂરી છે તેમજ જમીનના બારોબાર વેચાણ કે અન્ય ઉપયોગમાં લેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.