ટ્રાફિક કેમ થવા દો છો કહી યુવકે કોન્સ્ટેબલને લાફો માર્યો
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ દત્તાકુમાર એરૂણકર સવારે ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ સાથે બંદોબસ્તમાં હતા
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. નાની નાની બાબતોમાં લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી જાય છે. ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ રસ્તે રખડતા ઢોરોને પકડવા માટેની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક યુવક આ ટીમ સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસ કોન્સ્ટેબલ પાસે આવ્યા હતો અને તમે તમારી કામગીરી દરમિયાન ટ્રાફિક કેમ થવા દો છો
તમને ખબર નથી પડતી કહીને બોલાચાલી કરીને પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી એક લાફો મારી દીધો હતો. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ દત્તાકુમાર એરૂણકર સવારે ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ સાથે બંદોબસ્તમાં હતા અને સિવિલ હોસ્પિટલ પાસે રખડતા ભટકતા ઢોરોને પકડવા માટેની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક વખતે તેમની પાસે આવ્યો હતો અને તમે તમારી કામગીરી દરમિયાન ટ્રાફિક કેમ થવા દો છો તમને ખબર નથી પડતી તેમ કહેવા લાગ્યો હતો.
જેથી પોલીસ કોન્સ્ટેબલે કહેલ કે અમે ટ્રાફિક પણ નહીં થવા દઈએ અને અમારી કામગીરી કરીશું, તમે મહેરબાની કરીને અહીંથી જતા રહો તમે મગજમારી કરો છો જેથી લોકો ભેગા થાય છે અને ટ્રાફિક પણ થાય છે. જેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કોન્સ્ટેબલને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
કોન્સ્ટેબલે આ યુવકને આ પ્રકારનું વર્તન ન કરવા માટે કહેતા જ તેણે ફરિયાદી કોન્સ્ટેબલને લાફો મારી દીધો હતો. જાેકે હાજર અન્ય સ્ટાફે તેને પકડી લીધો હતો અને તેની પુછપરછ કરતાં આ યુવકનું નામ જયેશ રાઠોડ અને સરસપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જયેશ રાઠોડ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી ટેકનિશિયન તરીકે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.