મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં ખુલે ત્યાં સુધી શો નહીં કરું
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ની જજ વિશાલ દદલાની હજી સુધી શોમાં પાછો આવ્યો નથી. મ્યૂઝિક કમ્પોઝર, કે જે છેલ્લી ત્રણ સીઝનથી ઈન્ડિયન આઈડલનો જજ છે, તેણે કહ્યું કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં અનલોક નહીં થાય ત્યાં સુધી તે પરત આવવાનો નથી. તેણે કહ્યું કે, ઈન્ડિયન આઈડલમાં ત્યાં સુધી તો નહીં જ આવું જ્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન છે’.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન થતાં અને શૂટિંગ પર પ્રતિબંધ મૂકાતાં અન્ય શોની જેમ ઈન્ડિયન આઈડલના સેટને પણ બીજે જગ્યાએ રિલોકેટ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન આઈડલને દમણમાં આવેલા એક રિસોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારે પણ વિશાલ દદલાનીએ ટીમ સાથે ટ્રાવેલિંગ કર્યું નહોતું.
થોડા દિવસ પહેલા જ વાતચીત કરતાં શોના હોસ્ટ આદિત્ય નારાયણે વિશાલ દદલાનીની ગેરહાજરીનું અસલી કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘વિશાલ દદલાની ગયા વર્ષે લોનાવાલા શિફ્ટ થયા હતા અને ત્યાં તેઓ માતા-પિતા સાથે શિફ્ટ થયા છે. તેઓ લોનાવાલાથી દમણ સુધી ટ્રાવેલિંગ કરવા માગતા નહોતા.
તેઓ તેમના માતા-પિતાના કારણે વધારે સાવચેતી રાખી રહ્યા છે. હું આ બાબતને સંપૂર્ણ રીતે સપોર્ટ કરું છું. જાે તમને શંકા હોય તો તમારે ખાસ કરીને આ સમયમાં તમારા માતા-પિતા સાથે રહેવું જાેઈએ. અન્ય જજ હિમેશ રેશમિયા અને નેહા કક્કડ પણ શોના કેટલાક એપિસોડમાં દેખાઈ રહ્યા નથી અને બંને પોતાના અંગત કારણોસર શોમાં ન આવતા હોવાનું સામે આવ્યું હતું. બંનેની જગ્યા મનોજ મુંનતશીર અને અનુ મલિકે ભરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયા બાદ ઈન્ડિયન આઈડલ ૧૨ના સેટને દમણમાં રિલોકેટ કરવામાં આવ્યો હતો. જાે કે, દમણમાં કેટલાક એપિસોડના શૂટિંગ બાદ ટીમ મુંબઈ પાછી આવી ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, હવે શોની ટીમ મુંબઈમાં લોકડાઉનના નિયમો હળવા કર્યા બાદ જ શૂટિંગ શરુ કરશે.
આ અંગે આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે, તેમણે ચાર દિવસમાં આઠ એપિસોડનું શૂટિંગ કર્યું હતું અને તેથી તેમની પાસે પૂરતું કન્ટેન્ટ છે. તેનું કહેવું હતું કે, અત્યારના સમયમાં ટીમને સાથે રાખીને શૂટિંગ પતાવવું તે વધારે સુરક્ષિત છે.