સાબરકાંઠા જિલ્લાના તમામ યાર્ડ 3 દિવસ બંધ રહેશે
હિંમતનગરઃ વાર્ષિક રૂ.1 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસ લાગુ કરવાની સરકારે કરેલ જાહેરાતના વિરોધમાં જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં વેપારીઓએ સોમવારથી ત્રણ દિવસ માટે તમામ લેવડ દેવડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓના મંતવ્યનુસાર તમામ ખર્ચ સરવાળે ખેડૂતો ઉપર જ જવાનો છે અને નાના – મધ્યમ ખેડૂતોને 2 ટકા ટીડીએસ ભોગવવાનો વારો આવતા મોટુ નુકશાન સહન કરવુ પડશે. પાટણ માર્કેટ યાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાલ પાડી ખરીદી બંધ કરી દેતા અંદાજે બે કરોડનો વેપાર અટકી પડ્યો છે આ હડતાલમાં મંગળવારથી હારિજ સમી રાધનપુર સહિતના માર્કેટયાર્ડના વેપારીઓ પણ જોડાવાના છે.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ રૂ.1 કરોડ કરતાં વધુ વાર્ષિક રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસની જોગવાઇનો 1 લી સપ્ટેમ્બર થી અમલ શરૂ થવાની જાહેરાત કરતા તમામ માર્કેટ યાર્ડોના વેપારીઓમાં રોષ પેદા થયો છે. વાર્ષિક દસ કરોડનું ટ્રાન્ઝેક્શન કરનાર વેપારી ગાંઠના રૂ.20 લાખ સરકારને આપવાનો નથી તે આ રકમ ખેડૂતને ચૂકવવાની રકમમાંથી જ મજરે લેવાનો છે આડકતરી રીતે 2 ટકા ટીડીએસ ખેડૂતો ઉપર જ નાખવામાં આવ્યો છે.