કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા
કોરોનાના કપરા સમયમાં દરેક વ્યક્તિને ઝડપથી અને સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. કોરોનાની મહામારી સામે રાજ્યની હોસ્પિટલોએ દર્દીઓ માટે સુદઢ સારવાર પૂરી પાડી છે.
કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમની ગ્રાન્ટમાંથી અમદાવાદ સોલા હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલને કુલ ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન ઉપલબ્ધ કરાવ્યા છે. આ પૈકી ૨૫ બાયપેપ મશીન અમદાવાદ સોલા હોસ્પિટલને અને ૨૫ મશીન ગાંધીનગર સિવિલ હોસ્પિટલને અપાયા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી આજે સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રાજ્ય સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે અનેક વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટશ્રી પીનાબેન સોનીએ જણાવ્યું છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્યના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. કોરોનાના દર્દીઓની સારવાર અને સગવડતામા પણ અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો અમે આભાર માનીએ છીએ.
સોલા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સુવિધામા વધારો થાય તે હેતુથી આ ૨૫ પોર્ટેબલ બાયપેપ મશીન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.પીનાબેન સોનીને આજ રોજ અર્પણ કરવામાં આવ્યા.
કોરોનાના ગંભીર લક્ષણો સાથે સારવાર માટે આવતા દર્દીઓ માટે આ બાયપેપ મશીન મીની વેન્ટિલેટર જેવું જ કાર્ય પુરૂ પાડશે.જેના થકી દર્દીને ખુબ જ ઝડપથી સારવાર અને સુવિધા મળી રહેશે.