Western Times News

Gujarati News

કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા દાહોદ જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા

ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાને જોતા અલાયદી એક સો પથારીની વ્યવસ્થા કરાશે
આલેખન – દર્શન ત્રિવેદી
કોરોના વાયરસની ઘાતક બીજી લહેરનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેર સામેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી લહેરના અનુભવને આધારે તંત્ર સજ્જ બની ગયું છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા ધ્યાને રાખીને અહીં બાળકો માટે એક સો પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક વાતચીતમાં જણાવ્યું કે ત્રીજી લહેરનો સામનો કરવા માટે દાહોદમાં કુલ ૧૨૦૦ જેટલા બેડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પૈકી ૧૦૦ પથારી માત્ર બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. જેમાં એક વર્ષ સુધીના બાળકો માટે ૨૦ નિઓનેટલ વેન્ટીલેટર અને બાકી ૨૦ પીડિઆટ્રિક વેન્ટટીલેટર અને ૬૦ ઓક્સીજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, બીજી લહેરમાં ઓક્સીજન સપ્લાયના શોર્ટએજની બાબતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા હવે દાહોદમાં ઓક્સીજન જનરેશન અને સંગ્રહ ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આ માટે રૂ. ૬ કરોડનું અલાયદી ગ્રાંટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પણ ઓક્સીજનની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે.

શ્રી ખરાડીએ ઉમેર્યું કે, કોરોનાની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. હર વખતે જુદાજુદા વયજુથના લોકો સંક્રમિત થાય છે. બીજી લહેરમાં પણ આવું બન્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ત્રીજી લહેરમાં શું સ્થિતિની સંભાવના રહી છે ? તેનું વૈજ્ઞાનિક ઢબે આકલન કરવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને બાળકોની સ્થિતિને ધ્યાને રાખીને તેમના માટે જરૂરી દવાઓ પ્રવાહી સ્વરૂપની હોય છે. તેથી આવી દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બાળકોના કોરોના વોર્ડ ચાઇલ્ડ ફ્રેન્ડલી બને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.