કોરોના દર્દીમાં આંતરડામાં ગઠ્ઠા થવાના કેસ સામે આવ્યા
રેર કેસમાં કોવિડના કારણે દર્દીના આંતરડામાં ગઠ્ઠા થઈ જાય છે, જેને એક્યૂટ મેસેન્ટ્રિક ઈસ્કીમિયા કહેવાય છે
નવી દિલ્લી: કોરોના મહામારીની વચ્ચે ત્રણ પ્રકારની ફંગસની બીમારીઓ સામે આવી રહી છે. આ દરેક બીમારીઓની વચ્ચે કોવિડ-૧૯ના દર્દીઓમાં આંતરડામાં ગઠ્ઠા અને ગેંગ્રીન જેવી સમસ્યાઓ થઇ રહી છે. પેટમાં અચાનક થતા દુખાવાને કારણે તાત્કાલિક તપાસ કરવાની વાત કરવામાં આવી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સમગ્ર દેશમાંથી સ્વતંત્ર સંશોધનકર્તાઓને કોવિડ-૧૯ સાથે જાેડાયેલ જાણકારીઓમાં યોગદાન આપવા માટે આમંત્રણ આપ્યું છે. કોવિડ-૧૯થી સાજા થયેલ દર્દીઓમાં ફંગસની બીમારી જાેવા મળી હતી. મુંબઈની હોસ્પિટલમાં ફિઝિશિયન્સ અને સર્જને એક ડઝનથી વધુ લોકોનો ઈલાજ કર્યો છે. તેમણે પેટમાં થતા દુખાવા અંગે સાવચેત રહેવાનું કહ્યું છે.
એટલું જ નહીં, આવો અજાણ્યો દુખાવો થાય તો તાત્કાલિક સારવાર લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. સ્ટડી અનુસાર, ૧૬-૩૦ ટકા કોવિડ દર્દીઓમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટેનલ લક્ષણો પણ જાેવા મળે છે. આ પ્રકારની સમસ્યામાં સામાન્ય લક્ષણો જાેવા મળે છે અથવા ક્યારેક લક્ષણો પણ નથી જાેવા મળતા. જાણકારી મુજબ કોરોના વાયરસ ફેંફસાની સાથે ગેસ્ટ્રોઈન્ટેસ્ટેનલ ટ્રેક્ટ પર અસર કરી શકે છે.
રેર કેસમાં કોવિડના કારણે દર્દીઓના આંતરડામાં ગઠ્ઠા થઈ જાય છે, જેને એક્યૂટ મેસેન્ટ્રિક ઈસ્કીમિયા કહેવામાં આવે છે. નાના આંતરડાના ભાગમાં લોહીના પરિવહન પર અસર થાય છે, જેના કારણે ગેંગ્રીનની સમસ્યા જાેવા મળે છે. જે દર્દીઓના આંતરડામાં ગઠ્ઠા જાેવા મળે તે લોકો ગંભીર રીતે મેસેન્ટેરિક ઈસ્કીમિયાનો શિકાર હોઈ શકે છે. પેટ સાથે જાેડાયેલ આ એક દુર્લભ સમસ્યા છે. વૈસ્ક્યુલર સર્જન ડૉ. અનિરુદ્ધ ભુઈયાંએ વાતચીત કરતા જણાવ્યું કે જાે બીમારીનો તાત્કાલિક ઈલાજ ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.
આંકડાઓ અનુસાર દેશભરમાં મ્યૂકરમાયકોસિસના ૧૨ હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં આવા અનેક કેસ હોઈ શકે છે, જેની જાણકારી સામે આવી નથી. કેન્દ્ર સરકાર પણ આ રોગના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસિન બીનો સપ્લાય વધારવાની વ્યવસ્થા કરી રહી છે.