ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ મોટો પડકાર બનશે : પીએમ મોદીએ ચેતવ્યા
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ સોસાયટીની એક બેઠકની અધ્યક્ષતા કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિજ્ઞાને હંમેશા સંકટનું સમાધાન શોધ્યું છે.
સીએસઆઇઆરની બેઠકને સંબોધતા પીએમ મોદીએ ભવિષ્યના પડકારોને લઈને દુનિયાને ચેતવી અને કહ્યું કે આવનારા સમયમાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટો પડકાર બનશે. આપણે અત્યારથી તેના માટે તૈયારી કરવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સમગ્ર દુનિયા સામે આ સદીનો સૌથી મોટો પડકાર બનીને આવી છે પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે જ્યારે માનવતા પર કોઈ મોટું સંકટ આવ્યું છે ત્યારે વિજ્ઞાને વધુ સારા ભવિષ્ય માટે રસ્તા તૈયાર કરી દીધા છે.
તેમણે કહ્યું કે વીતેલી શતાબ્દીનો અનુભવ છે કે જ્યારે પહેલા કોઈ શોધ દુનિયાના બીજા દેશમાં થતી હતી ત્યારે ભારતે તેના માટે અનેક વર્ષો સુધી રાહ જાેવી પડતી હતી પરંતુ આજે આપણા દેશના વૈજ્ઞાનિકો બીજા દેશ સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે અને એટલી જ ઝડપથી કામ કરી રહ્યા છે.
મોદીએ આ બેઠકમાં ભારતીય વૈજ્ઞાનિકોના ખુબ વખાણ કર્યા. કોરોના સંકટ વચ્ચે આપણા વૈજ્ઞાનિકોએ ફક્ત એક જ વર્ષમાં મેડ ઈન ઈન્ડિયા રસી તૈયાર કરી લીધી. પીએમ મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદે દેશને અનેક પ્રતિભાઓ આપી છે અને કેટલાય વૈજ્ઞાનિકો તૈયાર કર્યા છે.
શાંતિ સ્વરૂપ ભટનાગર જેવા મહાન વૈજ્ઞાનિકે આ સંસ્થાને નેતૃત્વ આપ્યું છે. મોદીએ આગળ કહ્યું કે આજે ભારત સતત વિકાસ અને ક્લિન એનર્જીના ક્ષેત્રમાં દુનિયાને રસ્તો દેખાડી રહ્યો છે. આપણે સોફ્ટવેરથી લઈને સેટેલાઈટ સુધી, બીજા દેશોના વિકાસને પણ ગતિ આપી રહ્યા છીએ અને દુનિયાના વિકાસમાં મુખ્ય એન્જિનની ભૂમિકા ભજવી રહ્યા છીએ. આજે ભારત એગ્રીકલ્ચરથી એસ્ટ્રોનોમી સુધી, રસીથી વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, બાયોટેક્નોલોજીથી લઈને બેટરી ટેક્નોલોજી સુધી, દરેક દિશામાં આર્ત્મનિભર અને સશક્ત બનવા માંગે છે. કોરોનાના સંકટને કારણે હાલ ભલે ગતિ ધીમી હોય પરંતુ આજે પણ આપણો સંકલ્પ છે- આર્ત્મનિભર ભારત, સશક્ત ભારત.