વેજલપુરમાં જેને જમીનની ચોકીદારી સોંપી એ જ બન્યો ‘ચોર,’
અમદાવાદ: અમદાવાદમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર છે. જુહાપુરાના વેપારીએ પોતાના જુના પગીને જમીનનું ધ્યાન રાખવા આપતા પગીએ જમીન પર કબ્જાે જમાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
વેજલપુર પોલીસે મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાના જ માલીકની જમીન પર કબ્જાે જમાવી લેતા પોલીસના હવાલે થયા છે. જુહાપુરામાં રહેતા અને પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલનાં નામે કાપડનુ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતા આમીર સુરતીએ નામના વેપારીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં વેપારીની માલિકીની ફતેવાડી ગ્યાસપુરની જમીન તેઓએ પોતાના પગી મુરાદ ખાનને ધ્યાન રાખવા માટે આપી હતી. જે જમીન નવેમ્બર ૨૦૨૦ માં તેઓએ ખાલી કરવાનું કહેતા મુરાદ ખાન પઠાણે કાવતરું રચીને પરિવાર સાથે મળી જમીન ખાલી ન કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
વેપારીએ પોતાની મલિકીની જમીન પર સીસીટીવી લગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશ આપ્યો ન હતો.
તેમજ ચોકીદાર મુરાદ ખાનની માતાએ વેપારીને પોતે સળગી જવાની મુરાદ ખાનની પત્નિએ કપડા ફાડીને પોલીસ સ્ટેશન જવાની આપી ધમકી આપી હતી.અનેક પ્રયાસો છતાં વેપારીની જમીન આરોપીઓએ ખાલી ન કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસે મુખ્ય ૩ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
મહત્વનું છે કે સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે પણ ગુનો નોંધાયો હતો ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં ફરાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.