યુવતીના એકતરફી પ્રેમમાં ભાણાએ મામાની કરી હત્યા
દાહોદ: દાહોદ જિલ્લામાં એક હત્યાની ચકચારી ઘટના બની હતી. અહીં ભાણાએ જ પોતાના કૌટુંબિક મામાની હત્યા કરી હતી. ભાણો જે યુવતીના એક તરફી પ્રેમમાં હતો એજ યુવતી સાથે મામાના સંબંધો હતા. જેના કારણે ભાણાએ મામાને હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. અને પોતાના જન્મદિવસે જ મામાને તળાવમાં ધક્કો મારીને ઉપરથી પથ્થરના ઘા મારી હત્યા કરી હતી. જાેકે, પોલીસે ભાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે પોલીસને ટેક્નિકલ, હ્યુમન સોર્સ અને બતમીદારોના આધારે માહિતી મળી હતી કે મૃતકનો ભાણેજ અર્જુન નીનામાં અવારનવાર શ્યામના ઘરે આવતો હતો અને અર્જુન જે છોકરીને પ્રેમ કરતો હતો તે છોકરી સાથે શ્યામ પણ વાતચીત કરતો અને મળતો હતો.આ માહિતી મળતા પોલીસે અર્જુન નીનામાની અટકાયત કરી કડક પૂછપરછમાં અર્જુને ગુનો કબુલ કરી લીધો હતો. અર્જુન અને શ્યામ
વચ્ચે એક જ છોકરીના પ્રેમ સબંધને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અર્જુને શ્યામની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.
બનાવના દિવસે અર્જુનનો જન્મદિવસ હતો. જેથી જન્મદિવસની ઉજવણીના બહાને અર્જુને મામાને પોતાના ઘરે બોલાવી મોટરસાયકલ ઉપર રાબડાળ લઈ ગયો ત્યાંથી મુવાલીયા તળાવ ઉપર લઈ જઈ તળાવની પાળ ઉપરથી શ્યામને પાણીમાં ધક્કો મારી દીધો હતો.જ્યારે મૃતકે બચવા માટે પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા અર્જુને પથ્થરો વડે માથાના ઉપરાછાપરી ઘા કરી શ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.