સાબરમતી અને ચાંદલોડીયા સ્ટેશને ૧૯ કોચ મુકાયા હતા
૧ મહિના સુધી આઈસોલેશન કોચમાં કોઈ દર્દી દાખલ ન થતાં પાછા યાર્ડમાં મુકાયા
(એજન્સી) અમદાવાદ, કોરોનાના દર્દીઓની સારવાર માટે રેલ્વેએ તૈયાર કરેલા આઈસોલેશન કોચ મ્યુનિસિપલ કોર્પોરેશનની માગણી બાદ ૪ મેથી સાબરમતી અને ચાંદલોડીયા સ્ટેશને તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. જેમાં ૧૩ કોચ સાબરમતી સ્ટેશન ખાતે અને ૬ કોચ ચાંદલોડીયા સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા.
બાદમાં લગભગ એક મહિના સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમાં એક પણ દર્દી દાખલ કરાયા નહોતા. થોડા સમય સુધી મેડીકલ સ્ટાફ પણ ફાળવ્યા બાદ હવે તેમને પણ પરત બોલાવી લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા જૂની જગ્યાએ કામગીરી સોેંપી દેવાઈ હતી.જેના પગલે લગભગ એક મહિનાથી પ્લેટફોર્મ પર પડી રહેલા તમામ ૧૯ કોચને ત્યાંથી હટાવી યાર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે.
રેલ્વેએ એપ્રિલ ર૦ર૦માં કોરોનાના દર્દીઓ માટે અમદાવાદ માં ર૦૦ જેેટલા આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. જેમાં દરેક કોચના એક કમ્પાર્ટમેન્ટમાં બે દર્દીઓ મળી કુલ ૧૬ દર્દીઓ દાખલ કરવાની અને એક કમ્પાર્ટમેન્ટમાં મેડીકલ પેરામેડીકલ સ્ટાફ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગભગ એક વર્ષ સુધી ધુળ્ ખાધા બાદ એપ્રિલમાં દર્દીઓની સંખ્યા વધતા અને તમામ હોસ્પીટલો ફૂલ થઈ જતાં મ્યુનિસિપલ કોર્પોરેશને મે મહિનાની શરૂઆતમાં રેલ્વે પાસે કોચની માંગણી કરી હતી.
જેના પગલે રેલ્વે એ તત્કાલ ૧૯ આઈસોલેશન કોચમાં એરકૂલર સહિતની વ્યવસ્થા કરી કોર્પોરેશનને ફાળવ્યા હતા. જેમાંથી ૧૩ સાબરમતી સ્ટેશન ખાતે અને ૬ કોચ ચાંદલોડીયા સ્ટેશન ખાતે મુકાયા હતા. તેની સાથેે જ સ્થાનિક તંત્ર દ્વારા દવા ઓક્સિજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જાે કે ૪ થી મે થી દર્દીઓ માટે કોચ શરૂ કરાયા બાદ તેમાં એક પણ દર્દી દાખલ કરાયો નહોતો. જેના પગલે હવે રેલ્વેએ તમામ કોચ હટાવી લીધા છે.