ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ૧૧ વર્ષની તુલનામાં સૌથી વધારે ઉછાળો
નવીદિલ્હી: ભારતમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે જ ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ૧૧ વર્ષની તુલનામાં સૌથી વધારે ઉછાળો થયો છે. એક રિપોર્ટના અનુસાર, સરસવના તેલના ભાવામાં લગભગ ૪૪ ટકાનો વધારો થવાની સાથે ૨૮મેના રોજ રિટેલ માર્કેટમાં તેની કિંમત પ્રતિ લિટર ૧૭૧ રૂપિયા નોંધાઇ હતી. ગત વર્ષે ૨૮મેના રોજ એક લિટર સરસવ તેલની કિંમત ૧૧૮ રૂપિયા હતી. તેમજ સૂર્યમુખી તેલની કિંમતમાં પણ ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે.
ભારતમાં સામાન્ય રીતે ૬ ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સરસવનું તેલ, મગફળીનું તેલ, વનસ્પતિ તેલ, રિફાઈન્ડ તેલ, સૂર્યમુખી તેલ (સનફ્લાવર ઓઈલ) અને પામ ઓઈલ સામેલ છે.ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટના અનુસાર, છેલ્લા એક વર્ષમાં આ તેલના ભાવમાં ૨૦થી ૫૬ ટકાનો વધારો થયો છે. દેશની એક મોટી વસ્તી પહેલાથી મોંઘવારી, કોરોનાવાઈરસ, અને લોકડાઉનનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય લોકોના બજેટ પર ખરાબ અસર થઈ છે.
તેલના કુલ વપરાશના ૫૬ ટકા ભાગ આયાત કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વિવિધ કારણોસર ખાદ્યતેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે.સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી.વી મહેતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયથી વનસ્પતિ તેલમાંથી બાયોફ્યુઅલ બનાવવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે અને તે ખાદ્યતેલના વધતા ભાવનું એક મોટું કારણ છે.
તે સિવાય અમેરિકા અને બ્રાઝિલની સાથે અન્ય દેશોમાં સોયાબીન તેલમાંથી રિન્યુબલ ફ્યુલ બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોનાવાઈરસ અને લોકડાઉન હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલની વૈશ્વિક માગમાં વધારો થયો છે.
એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાદ્યતેલના વધતા ભાવોના મુખ્ય કારણોમાં ચીન દ્વારા ખરીદારી, મલેશિયામાં મજૂર મામલો, પામ અને સોયા ઉત્પાદિત ક્ષેત્રોમાં લા લીના (હવામાન)ની ખરાબ અસર, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં પામ ઓઈલ પર નિકાસ ચાર્જ સામેલ છે. તે સિવાય ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના અનુસાર, અપેક્ષા કરતાં ઓછી ખેતી અને અમેરિકાના મુખ્ય સોયા ઉત્પાદક વિસ્તારોમાં ખેતી માટે પ્રતિકૂળ હવામાન પણ તેના મોટા કારણોમાં સામેલ છે.