અમદાવાદનું અનોખું કર્મયોગી વન : અહીં કર્મયોગી વયનિવૃત્તિ કે બદલી સમયે- વિદાય વેળાએ નવી પેઢીને આપે છે વૃક્ષોનો વારસો
વનરાજીથી કર્મચારીઓ હકારાત્મક,કાર્યક્ષમ બને છે : શ્રી જે.બી.દેસાઈ, અમદાવાદ શહેર(પશ્ચિમ), ડેપ્યુટી કલેક્ટર
વિશ્વ પર્યાવરણ દિવસ અમદાવાદના ગોતા ખાતે આવેલા મહેસૂલ ભવનમાં અનોખી રીતે ઉજવાયો. વય નિવૃત્ત થતા કર્મયોગીઓના હસ્તે અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઘાટલોડિયા મામલતદાર શ્રી શકરાભાઈ દેસાઈ અને શિરસ્તેદાર શ્રી પી.કે. પરમારએ નિવૃત્તિ થતી વેળાએ વૃક્ષારોપણ કર્યું.
આ નૂતન વિચારને અમલમાં લાવનારા અમદાવાદ શહેર(પશ્ચિમ)ના ડેપ્યુટી કલેક્ટર શ્રી જે.બી.દેસાઈ કહે છે : “ અમે કર્મયોગીની બદલી થાય કે વયનિવૃત્ત થાય ત્યારે મહેસુલ ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરે તેવી પરંપરાની શરુઆત કરી છે. આ પરંપરાને પગલે નિવૃત્ત થતા કર્મયોગી વૃક્ષોનું વાવેતર કરે છે અને ત્યારબાદ ફરજ બજાવતા કર્મયોગીઓ આ વૃક્ષ-વારસાનું જતન કરે છે. ”
શ્રી દેસાઈએ કેમ્પસમાં બે વર્ષ પહેલા કર્મયોગી વનનો વિચાર અમલી બનાવ્યો હતો.પરિણામે આજે અમદાવાદના ગોતા ખાતેના મહેસુલ ભવન ખાતે લગભગ બે હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
જેમાં પીપળો, લીમડો, ઉમરો, ગરમાળો, ગુલમહોર, બદામ, આસોપાલવ, જાંબુ, બોરસલ્લી, કચનાર, સીતાફળ, ગુંદા અને પેલ્ટ્રો ફા જેવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વાવેતરમાં જાપાનીઝ પદ્ધતિ મિયાવાંકીનો અમલ કર્યો, જેના સુંદર પરિણામ પણ મળ્યા.
આ વનરાજી માટે વહીવટીતંત્રના કર્મયાગીઓએ કાળજી પણ એટલી જ રાખી. અહીં ખારાશવાળા પાણીના કારણે વૃક્ષોના ઝડપી ઉછેરમાં કસર જણાતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પુરુ પાડવામાં આવતું નર્મદાના પાણીનો ઉપયોગ કર્યો. મહેસુલ વિભાગની કચેરીમાં પાંગરેલ કર્મયોગી વનમાં પ્રસંગોપાત રાજકીય મહાનુભાવો અને સિનિયર અધિકારીઓએ પણ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
શ્રી જે.બી.દેસાઈ કાર્યસ્થળે ઉભા થયેલા આ કર્મયોગી વનના લાભ વર્ણવતા કહે છે કે, વનના કારણે કર્મયોગીઓ વધુ હકારાત્મક બન્યા છે, વધુ કાર્યક્ષમ બન્યા છે. શ્રી દેસાઈ આગામી સમયમાં અહીં “ઓક્સિજન પાથ ” બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે.