Western Times News

Gujarati News

અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં યુવાનનું ઘટનાસ્થળે મોત

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે સેકટર ૭ પોલીસે મરનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા ગીરીશભાઈ તુલસીભાઈ પરમારનો ૩૫ વર્ષીય નાનો ભાઇ મહેશ તેમજ તેનો મિત્ર બળદેવ દુધાભાઈ સાસીયા ગઈકાલે બાઈક લઇને ગાંધીનગર આવ્યા હતા.

જ્યાં પોતાનું કામ પતાવીને બન્ને મિત્રો રાત્રીના ચ રોડથી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન સેકટર ૧૧ સુમન ટાવરની સામે ચ રોડ પર આવેલા ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ચાલુ હતી. જેથી અન્ય વાહનો થોભી ગયા હતા. તેમ છતાં મહેશએ પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારીને આગળ ઉભેલા અજાણ્યા બાઇકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. જેનાં કારણે બન્ને મિત્રો ઉછળીને જમીન પર પટકાયા હતા. બાઈકની જાેરદાર ટક્કરનાં કારણે મહેશનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત થયું હતું.

જ્યારે બળદેવને પણ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત સર્જાતા વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બળદેવને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સેકટર ૭ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના ભાઈ પણ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.

પોલીસે ગિરીશભાઈને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં મરનાર મહેશ દ્વારા જ અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેનાં પગલે પોલીસે મૃત મહેશ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.