સુરતમાં વૃદ્ધાએ નવમા માળેથી છલાંગ લગાવી
આખેઆખા પરિવારો ગુમાવ્યા બાદ આપણુ શું થશે અને કેવી રીતે જીવીશું તેવી ચિંતા બાકી રહેલાને કોરી ખાય છે
સુરત: કોરોનાએ આખાને આખા પરિવારો ઉજાડી દીધા છે. ક્યાંક પરિવારનો મોભી છીનવાયા, તો ક્યાંક વ્હાલસોયા ગુમાવ્યા, ક્યાંક માતાપિતાની છત્રછાવાયા ગુમાવી, તો ક્યાંક ગમતા સ્વજનોને દૂર કર્યાં. તો બીજી તરફ આખેઆખા પરિવારો ગુમાવ્યા બાદ આપણુ શું થશે અને કેવી રીતે જીવીશું તેવી ચિંતા બાકી રહેલા પરિવારજનોને કોરી ખાય છે. આ બીકના માર્યે તેઓ મરવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે આ ડરને કારણે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. પુત્ર સહિત પરિવારના ૪ સભ્યો ગુમાવતા સુરતના એક વૃદ્ધાએ એકલવાયુ જીવન જીવવાને બદલે મોતને ગળે લગાવવાનું પસંદ કર્યું હતું.
કોરોનામાં પુત્ર સહિત ૪ સ્વજન ગુમાવતા ભટાર વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ ૯માં માળેથી છલાંગ લગાવી હતી. હૃદયરોગથી પીડાતા વૃદ્ધાના પતિની હાલત પણ હાલ ગંભીર છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલ્યો હતો. આ પરિવારમાં છેલ્લાં ૨ માસમાં કોરોનાને પગલે ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભટાર વિસ્તારના વાસુદેવ એપાર્ટમેન્ટમાં મીઠાણી પરિવાર રહે છે. આ પરિવારે છેલ્લાં બે મહિનામાં ૪ લોકો ગુમાવ્યા છે.
આ પરિવારના ૬૫ વર્ષીય વૃદ્ધા ચંદ્રકાંતાબેન મીઠાણીએ સોમવારે નવમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. ૧૨ એપ્રિલે ૪૨ વર્ષના પરિવારના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યાર બાદ ૬૫ વર્ષીય ચંદ્રકાંતાબેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. ૧૫મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યો હતો. ચંદ્રકાંતાબહેન ચાર સભ્યોના મોતથી સતત તણાવમાં રહેતા હતા. જેને કારણે તેમણે આત્મહત્યાનો રસ્તો અપનાવ્ય હતો. તેમજ તેમના પતિ દિનેશભાઈ પણ હૃદયરોગથી પીડાય છે અને તેમની હાલત ગંભીર છે.