પાલનપુર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નલ સે જલ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સો ટકા નળ કનેક્શનથી આવરી લેવા અને બાકી રહી ગયેલા ઘરોમાં પીવાના પાણી માટે નળ કનેક્શનની સુવિધા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના ૮૧ ગામ અને પરાઓમાં પાણી સમિતિઓ દ્વારા આયોજન કરાયેલ ૧૩,૪૭૫ ઘરોમાં નળ કનેક્શનથી પાણી આપવાની સુવિધા ઉભી કરવાની યોજનાને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. પાણીની સુવિધા માટે મંજુર કરવામાં આવેલ આ યોજનાથી ૯૮.૮૩ ટકા ઘરોમાં નળ કનેકશનથી પાણી આપવાની પ્રક્રિયા પૂર્ણ થશે.
અગાઉ મંજુર કરાયેલ યોજનાઓ પૈકી ભાવસૂચિ વર્ષ-૨૦૨૧-૨૨ મુજબ યોજનાઓ રીવાઇઝ કરી ૨૩૦ ગામ અને પરાઓની યોજનાઓની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં છુટાછવાયા વિસ્તારમાં રહેતા લોકો માટે પાણી પહોંચાડવાની યોજનાઓ અંગેનું પ્?લાનીંગ કરવા તથા આગામી તા.૩૧ જુલાઇ સુધી જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રમાણે આયોજન રાખવા પાણી પુરવઠાના અધિકારીઓને કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં આસી. કલેકટરશ્રી પ્રશાંત જીલોવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.એમ.બુંબડીયા, વાસ્મોના યુનિટ મેનેજર શ્રીમતી કૈલાસબેન મેવાડા, શ્રી આશીષ પટેલ, શ્રી મામતોરા, શ્રી રાઠોડ સહિત સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.