Western Times News

Gujarati News

દહેગામમાં સાપના ડંખથી બે લોકોના મોત નિપજયાં

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા દેવકરણના મુવાડાના પેટાપરા ગલાજીની મુવાડી રહેતી ૩૦ વર્ષીય મહિલા સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે છ વાગ્યાની આસપાસ ઘરમાં ચા બનાવતા હતા, ત્યારે ઝેરી જનાવર કરડી જતા ૧૦૮ ની મદદથી દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ મૃતક મહિલાના જેઠ ની દીકરી અનુબેન રણજીત સોલંકી ઉ. વ. ૭ ને આંગણામાં રમતી વખતે સવારે ૧૦ વાગ્યે ની આસપાસ નાગણ જેવા ઝેરી જનાવરે દંશ દેતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી,

જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આમ ચાર કલાકના સમયમાં કાકી અને ભત્રીજીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. લોકોના કહેવા મુજબ બે દિવસ અગાઉ મૃતકના મકાનની આસપાસ નાગ નીકળતાં લોકોએ મારી નાખ્યો હતો તેનો બદલો લેવા માટે નાગણે બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. આ અંગે મૃતકના પરિવારના એક સભ્યનો સંપર્ક કરવામાં આવતા ઉપરોક્ત ઘટના સાચી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ ફિલ્મો અને સિરિયલોમાં બતાવવામાં આવતી નાગ અને નાગણ ના બદલાની ઘટના હકીકતમાં બની હોવાની સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.

ઝેરી જનાવર કરડવાથી મોતને ભેટેલા ૩૦ વર્ષીય મહિલા સુરેખાબેન ના પતિ પ્રહલાદજી નું છ માસ અગાઉ કોઈ બીમારીથી મોત નીપજ્યું હતું. મજૂરી કરીને ગુજરાન ચલાવતા ત્રણ સંતાનો ની માતા સુરખાબેન ને વહેલી સવારે ચા બનાવવા જતાં ઘરમાંથી ઝેરી જનાવર કરડવાથી મોત થયું હતું. આમ છ મહિના પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ સંતાનો એ માતાની મમતા ગુમાવી છે.

દેવકરણના મુવાડા ગામના પેટાપરા ગલાજીની મુવાડી ગામે રહેતા પરિવાના કાકી – ભત્રીજીને નાગણે દંશ દેતાં બંનેના સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યાં હતા. સવારે બાળકીને નાગણે દંશ દેતાં બૂમાબૂમ બાદ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને બબ્બે વ્યક્તિનો ભોગ લેનાર નાગણને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.