યુવકનો ટેસ્ટ એકમાં પોઝિટીવ આવ્યો અને એકમાં નેગેટીવ
સુરત: સુરતમાં કોરોના રિપોર્ટને લઈ ખાનગી લેબનો છબરડો બહાર આવ્યો હતો. એક જ દિવસમાં એક લેબમાં પોઝીટીવ તો બીજી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા વરાછાનો રત્નકલાકાર અસમંજસમાં મુકાયો હતો. સુરતમાં કોરોના બાદ તમામ રત્નકલાકારોને કામ પર બેસવા પહેલા રેપીડ ટેસ્ટ ફરજીયાત છે.
તમામ રત્નકલાકારોને તે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ કામ પર રાખવામાં આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન ભાઈ અકબરી પોતાનો કોરોના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરાવવા યોગીચોક ખાતેના સ્વસ્તિક પ્લાઝાના એક્યુરેટ લેબમાં એન્ટીજન રેપીડ ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. જ્યાં રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હેરાન થઈ ગયા હતા. કારણે કે તેમને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે માત્ર હીરાના કારખાનામાં કામ કરવા માટે રિપોર્ટ કઢાવવા ગયા હતા. રિપોર્ટ અંગે શંકા જતા તેમણે સરથાણા ખાતે આવેલી એચસીએલ લેબમા રિપોર્ટ કરવા ગયા હતા.
જ્યાં તેમનો એન્ટીજન રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.બંને જગ્યા એ થઈ તેમણે રિપોર્ટના ૬૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. જાે કે એક જ દિવસમાં એક લેબમાં પોઝીટીવ તો બીજી લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા વરાછાનો રત્નકલાકાર અસમંજસમાં મુકાયો હતો.