પંજાબ-રાજસ્થાન બાદ હવે કેરળમાં આંતરિક વિખવાદ
તિરુવનંતપુરમ, કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કંકાસ ખતમ થવાનો નામ જ નથી લેતો. રાજસ્થાન અને પંજાબ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પરેશાનીનો સામનો કરી રહી છે. કેરળ કોંગ્રેસના એક વર્ગનું કહેવું છે કે હાઈકમાન તરફથી તેમને નજરઅંદાજ અને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે.
૨ મેના રોજ કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા અને કોંગ્રેસ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ પાર્ટી હાઈકમાને એક્શન લેતા પ્રદેશ અધ્યક્ષ એ. રામચંદ્રન ઉપરાંત વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાને પદ પરથી હટાવી દીધા. એક રિપોર્ટ મુજબ હાઈકમાને એક્શન લીધા બાદ રમેશ ચેન્નીથલના સમર્થકો ભડકી ગયા અને હવે તેમણે આરોપ લગાવ્યો કે ભલે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હોય પરંતુ વિદાય સન્માનજનક નથી રહી.
સમર્થકોનું કહેવું છે કે તેમને સોનિયા ગાંધી સાથે મુલાકાત માટે અપોઈન્ટમેન્ટ પણ નથી મળી. કેરળમાં શરૂ થયેલા આ સંકટ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તારિક અનવરે રાજ્યના વિધાયકો, સાંસદો અને સંગઠનના નેતાઓ સાથે વાત કરી છે.
અત્રે જણાવવાનું કે કેરળમાં ચેન્નીથલાની જગ્યાએ વીડી સતીષનને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જ્યારે કે.સુધાકરણને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપાઈ છે. કેરળમાં શરૂ થયેલું આ સંકટ કોંગ્રેસની ચિંતા વધારનારું છે.