‘RBL બેન્કમાંથી વાત કરું છું’ કહી ગઠિયાએ ૪૭ હજાર સેરવી લીધા
અમદાવાદ, ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધવાની સાથે-સાથે ઓનલાઇન ઠગાઇના કિસ્સા પણ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો ઘાટલોડિયા વિસ્તારમાં બન્યો છે. ઘાટલોડિયામાં રહેતી એક વ્યક્તિ સાથે આરબીએલમાંથી વાત કરું છુ તેમ કહી ૪૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઇ આચરી હોવાની ઘટના સામે આવી છે.
ઘાટલોડિયામાં રહેતા કમલભાઇ શાહે અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. કમલભાઇ ખાનગી હોસ્પિટલમાં કામકાજ કરે છે. કમલભાઇ થોડા દિવસ પહેલાં તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કમલભાઇને કહ્યું કે હું આરબીએલ બેન્કમાંથી વાત કરું છું,
તમારે ક્રેડિટ લિમિટ વધારવી હોય તો હું કરી આપું. ગઠિયાએ આમ કહેતાં કમલભાઇ ગઠિયાની જાળમાં ફસાઇ ગયા હતા. ત્યારબાદ કમલભાઇએ તેમના કાર્ડની વિગત આપ્યા બાદ ઓટીપી નંબર પણ ગઠિયાને આપી દીધો હતો. ત્યારબાદ તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતો તે ચોંકી ગયા હતા.
આ ગઠિયાએ કમલભાઇના ખાતામાંથી ૪૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. કમલભાઇને તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.