Western Times News

Gujarati News

શહેરમાં સાત સ્થળોએ ઝાડ ધરાશાયી

  • ત્રણ નાગરિકોને સામાન્ય ઈજાઃ કૃષ્ણનગરમાં પાણી ભરેલા ખાડામાં એક્ટિવા ચાલક પડ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવનને પણ અસર પહોંચી હતી દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે વરસાદ પડયો હતો અમદાવાદ શહેરમાં ૭ થી વધુ સ્થળો પર ઝાડ ધરાશાયી થયા હતા જેમાં ત્રણ વ્યક્તિઅોને  સામાન્ય ઈજાઓ થઈ હતી જયારે નરોડા ક્રષ્ણનગરમાં પાણીના ખાડામાં એક્ટિવા ખાબકતા તેને ફાયરબ્રિગેડે બચાવી લીધો હતો. ઝાડ ધરાશાયી થવાથી કેટલાક વિસ્તારોમાં રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારથી ધરાશાયી થયેલા ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજયભરમાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ કેન્દ્રીત થયેલી હોવાથી ગઈકાલે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદ પડયો હતો આ ઉપરાંત ગુજરાતમાં પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહયો છે કચ્છનું સફેદ રણ દરિયો બની ગયો હોય તેવુ દ્રશ્ય સર્જાયુ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા પરંતુ ગઈકાલે આકાશ કાળા ડિંબાગ વાદળોથી છવાઈ ગયુ હતું અને મોડી સાંજથી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો.

અમદાવાદમાં પડેલા વરસાદના કારણે વિરાટનગર, ઓઢવ, સરસપુર, નરોડા, સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં કોર્પોરેશનના કંટ્રોલ રૂમને તેની ફરિયાદો મળી હતી જેના પરિણામે મધરાતથી જ પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બીજીબાજુ અમદાવાદ શહેરમાં ગઈકાલ રાત્રે વરસાદના કારણે સાત જેટલા સ્થળો પર ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી હતી. શહેરના ૧.ઘાટલોડિયા, ર. સુરધારા સર્કલ, ૩. કેશવબાગ પાર્ટી પ્લોટ, ૪. ઈન્કમટેક્ષ, પ. ઓઢવ છોટાલાલની ચાલી, ૬. ઓઢવ ગુરુદ્વારા ૭. વિજય ચાર રસ્તા પાસે ઝાડ ધરાશાયી થયા હતા જેમાં કેટલાક સ્થળો પર રસ્તા પર જ ઝાડ ધરાશાયી થતાં એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોર્પોરેશન વિભાગ દ્વારા આ અંગેની ફરિયાદ મળતાં જ મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ મધરાતથી ઝાડ હટાવવાની કામગીરી માટે પહોંચી ગયા હતા અને શ્રમિકો દ્વારા ઝાડ કાપીને હટાવવામાં આવી રહયા છે બપોર સુધીમાં પરિસ્થિતિ  પૂર્વવત થઈ જશે તેવુ જણાવવામાં આવ્યું છે.

ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે નરોડા ક્રષ્ણનગર એસઆરપી કવાર્ટર પાસે એક ખાડો પડી ગયો હતો અને તેમાં પાણી ભરાઈ ગયું હતું અંધારામાં તે નહી દેખાતા એક્ટિવા પર પસાર થઈ રહેલો ધવલ ઘનશ્યામભાઈ હિરપરા નામનો યુવક એક્ટિવા સાથે ખાડામાં પડી ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક પહોચી ગયા હતા અને તેને સલામત રીતે બહાર કાઢયો હતો. આ ઉપરાંત શહેરમાં ગઈકાલે ઝાડ પડવાની ઘટનાઓમાં ત્રણ નાગરિકોને સામાન્ય ઈજાઓ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.