નોનટોક્સિક અને ‘સ્માર્ટ’ વોલપેપર જે ઝડપથી આગ પકડતું નથી
સ્માર્ટ વોલપેપરઃ જે આગને ફેલાતી અટકાવે છે અને આપણને એલર્ટ પણ કરે છે !
કોરોના મહામારી સમયે અનેક સ્થળે હોસ્પિટલ્સમાં આગ લાગવાની દુઃખદ ઘટનાઓ બની મોટા ભાગની ઘટનાઓમાં મોડી રાત્રે આગ લાગી ત્યારે મેડિકલ સ્ટાફ અને પેશન્ટ્સ ગાઢ નિંદ્રામાં હોવાને કારણે ઝડપથી આગની બહાર નીકળી આવવામાં અસમર્થ રહ્યાં! પરિણામે અનેક કરૂણાંતિકાઓ સર્જાઈ! જાે યોગ્ય ફાયર એલાર્મ્સ હોત તો કદાચ ઘણાના જીવ બચી જાત.
આ વાત માત્ર હોસ્પિટલને જ નહીં, પણ આપણાં ઘરોને પણ લાગુ પડે છે. એક સરવે મુજબ ભારતમાં વર્ષે દહાડે આગની સોળ લાખ ઘટનાઓ બને છે, જેમાં ર૭,૦૦૦થીવધુ ભારતીયો જીવ ગુમાવે છે. અને વિશ્વની દર પાંચમી આગ પ્રમાણમાં ગરમ આબોહવા અને અત્યંત વસતી ગીચતા ધરાવતા ભારતમાં લાગે છે.
એન્ડ કેન યુ બિલીવ ઈટ? આગ લાગે ત્યારે તમારા રૂમનું આકર્ષક ઈન્ટિરીયર તમારા માટે જીવલેણ નીવડે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આધુનિક સમયમાં મકાનના ઈન્ટીરીયર ડેકોરેશન માટે મોટા પ્રમાણમાં વપરાતું સિન્થેટિક મટીરિયલ આના માટે જવાબદાર છે. આવા કિસ્સામાં આગ લાગે ત્યારે રૂમમાંથી હેમખેમ બહાર નીકળી જવા માટે તમને માત્ર ર-૩ મિનિટ જ મળતી હોય છે. પહેલી નજરે રૂમમાંથી બહાર નીકળવા માટે આટલો સમય તમને પૂરતો લાગશે, પણ નિષ્ણાંતોના કહેવા મુજબ મોટા ભાગના કેસીસમાં એવું બને છે કે શરૂઆતની થોડી મિનિટ દરમિયાન તો તમને ખબર જ નહીં પડે કે રૂમ ભડકે બળવા જઈ રહ્યો છે. ખબર પડે ત્યાં સુધીમાં તો ખેલ ખલ્લાસ.
ચીનના કેટલાક સંશોધકોએ એવું નોનટોક્સિક અને ‘સ્માર્ટ’ વોલપેપર બનાવ્યું છે જે ઝડપથી આગ પકડતું નથી. વળી રૂમના ટેમ્પરેચરમાં અમુક હદ કરતાં વધારો નોંધાય, તો આ વોલપેપર ‘ફાયર એલાર્મ’ સુધ્ધાં વગાડે છે. પરિણામે આવનારી ક્ષણોમાં ભડકી ઉઠનારી આગ વિશે તમને આગોતરી જાણકારી મળી જાય છે. આ પ્રોજેક્ટ પર ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધક યિંગ જી ઝૂના વડપણ હેઠળની ટીમે કામ કર્યુ છે.
સામાન્ય રીતે વોલપેપરની બનાવટમાં વનસ્પતિજન્ય રેષાઓમાંથી મળેલ સેલ્યુલોઝ વાપરવામાં આવે છે, જે ફાયર ફ્રેન્ડલી મટીરિયલ ગણાય છે. પણ સ્માર્ટ વોલપેપરની બનાવટમાં જુદા પ્રકારના પદાર્થો વાપરવામાં આવે છે. આ પ્રોસેસ જરા જટિલ છે, પણ બને એટલું સરળીકરણ કરીને સમજીએ.
આપણે ઓફિસમાં ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવામાટે જે નોર્મલ પેપર વાપરીએ છીએ, એના જેટલી જ જાડાઈ ધરાવતી ‘નેનોવાયર્સ’ની શીટમાં ચોક્કસ પ્રોસેસ દ્વારા ગ્લાસ ફાયબરના રેષા ઉમેરવામાં આવે છે. ગ્લાસ ફાયબર અગ્નિ પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું મટીરિયલ છે. એના આ ગુણધર્મેને કારણે જ સામાન્ય રીતે ઈન્સ્યુલેશનના કામમાં ગ્લાસ ફાયબરનો બહોળો ઉપયોગ થાય છે. તાપમાન જ્યાં સુધી ૧૦૦૦ ડિગ્રી ફેરનહીટ જેટલું ઉંચું ન જાય, ત્યાં સુધી ગ્લાસ ફાયબર પીગળતું નથી.
સ્માર્ટ વોલપેપરની બનાવટામાં નેનોવાયર અને ગ્લાસ ફાયબર વડે તૈયાર થયેલી શીટ સાથે દીવાલોના સુશોધન માટે ખાસ પ્રકારનાં ડિઝાઈનર પેપર સાથે જાેડવામાં આવે છે.
આ રીતે જે વોલપેપર તૈયાર થાય, એની પાછળના ભાગે ગ્રેફીન ઓક્સાઈડ અને પાણીનું મિશ્રણ લગાડાય છે. ઈન્ક સ્વરૂપે રહેલું આ મિશ્રણ એવી રીતે એપ્લાય કરવાાં આવે છે કે જેથી વોલપેપરની શીટમાં રહેલા પેલા નેનોવાયર્સ પણ આ મિશ્રણના સંપર્કમાં રહે. આ ઈન્કમાં પોલીડોપામાઈન નામનું કેમિકલ ઉમેરવામાં આવે છે, જેથી આગ સામે ટકી રહેવાની ઈન્કની ક્ષમતામાં આશરે પાચ ગણો વધારો થાય છે.
ઈન્કમાં રહેલું ગ્રેફીન ઓક્સાઈડમાં ટેમ્પરેચર ડિટેક્ટ કરવાનો ખાસ પ્રકારનો ગુણ હોવાથી રૂમ ટેમ્પરેચરને આસાનીથી મોનિટર કરી શકાય છે. જાે કોઈક કારણસર રૂમનું તાપમાન ૧ર૯ ડિગ્રી સેલ્સિયસ (ર૬૪ ડિગ્રી ફેરનહીટ) કરતાં વધુ થઈ જાય તો ગ્રેફીન ઓક્સાઈડ અને નેનોવાયર્સના નેટવર્કને કારણે સ્માર્ટ બની ગયેલું વોલપેપર, પોતાનીસાથે જાેડાયેલા ફાયર એલાર્મ અથવા વોર્નિંગ લાઈટને સિગ્નલ આપી દે છે.
આમ, રૂમ ટેમ્પરેટરમાં વધારો થતા જ ફાયર એલાર્મ ધણધણી ઉઠે છે. તમે રાત્રે ભરઉંઘમાં હોવ તો પણ એલાર્મના અવાજથી જાગીને બચવા માટે ભાગી શકો છો. ટૂંકમાં સ્માર્ટ વોલપેપરને કારણે તમારો જીવ બચી જવાની શક્યતા અનેકગણી વધી જાય છે.