મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષવિભાગમાં ખાલીબંધ યોજનાની ૭૧૩૫ ફાઈલોનો નિકાલ બાકી
તમામ ઝોનમાં કુલ ૧૭૩૪૩ પડતર ફરિયાદો : પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૮૩૦ ફરિયાદો
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગના જુના અને નવા લેણાની વસુલાત માટે દર વરસે રીબેટ યોજના જાહેર કરવામાં આવતી હતી. પરંતુ નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ માં માત્ર સીલીંગ ઝુંબેશ જ ચલાવવામાં આવી હતી. જ્યારે ટેક્ષ-રીબેટ યોજના બંધ કરવામાં આવી હતી. સાથે સાથે ર૦ વર્ષ પહેલાં સ્ટેન્ડીંગ કમિટિમાં કરેલા ઠરાવનો પણ અમલ બંધ કર્યો હતો. મ્યુનિસિપલ શાસક પાર્ટીએ ૧૯૯૮ના વર્ષમાં ‘ખાલી-બંધ’ યોજના માટે ખાસ ઠરાવ કર્યો હતો.
જેમાં લાઈટબીલ પુરાવાના માન્ય રાખવામાં આવતા હતા. પરંતુ પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ ‘ખાલી-બંધ’ મામલે પણ મનસ્વી વલણ અપનાવ્યુ હતુ. જેના પરિણામે ૨૦૧૯-૨૦માં ‘ખાલી-બંધ’ ની ૧પ હજાર કરતા વધુ ફાઈલો અભરાઈએ મુકવાની નોબત આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરાના બાકી લેણાં સામે ૧૮ ટકા વ્યાજ લેવામાં આવે છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે વ્યાજદર ઘટાડીને ૭ ટકા કરવા માટે અનેક વખત રજુઆત કરી છે. પરંતુ સરકારે આ મામલે કોઈ જ ર્નિણય કર્યો નથી. પરંતુ કરદાતાઓને રાહત થાય એ માટે દર વર્ષે ટેક્ષ- રીબેટ યોજના જાહેર કરવા માટે મનપાને સુચના આપી છે.
તેમછતાં ૨૦૧૯-૨૦ ના નાણાંકીય વર્ષમાં નાના કરદાતાઓ પાસેથી પણ ૧૮ ટકા વ્યાજસાથે મિલકત વેરાની વસુલાત કરવામાં આવી હતી. જેના કારણે નાના વેપારીઓમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર સમયે ભાજપના કોર્પોરેટરોએ આ બાબતથી ગૃહમંત્રી અમિતભાઈ શાહને વાકેફ પણ કર્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નરની બદલી થયા બાદ ટેક્ષ-રીબેટ યોજનાની જેમ વરસોથી ચાલી આવતી ‘ખાલી-બંધ’ યોજના પણ શરૂ કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ખાલી-બંધ’ યોજના માટે ભારતીય જનતા પાર્ટીએ જ સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ કર્યો હતો તેમ છતાં તેનો અમલ કરાતો ન હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર જે મિલકત સતત ૬૦ દિવસ કે તેથી વધુ સમય માટે બંધ રહી હોય તે મિલકતનો ‘ખાલી-બંધ’ યોજનામાં સમાવેશ થાય છે તથા મિલકતવેરામાં ૭પ ટકા સુધી રાહત આપવામાં આવે છે. જેના માટે લાઈટબીલને ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે છે.
ર૦૧૮-૧૯ની શરૂઆત સુધી આ યોજના બરાબર ચાલી રહી હતી. તથા જે તે મિલકત ધારકોને પણ તેનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરે ‘ખાલી-બંધ’ યોજના બંધ કરવા અચાનક જ જાહેરાત કરી હતી. જેના પરિણામે ૧પ હજાર કરતા વધુ ફાઈોનો નિકાલ થયો ન હતો. એક ફાઈલ દીઠ રૂ.૧૦ હજાર મિલકત વેરા ગણવામાં આવે તો પણ કરોડો રૂપિયાની વસુલાત બાકી રહી હતી. વર્તમાન કમિશ્નરે સદર યોજના શરૂ કર્યા બાદ ‘ખાલી-બંધ’ યોજનાની પડતર ફાઈલોનો નિકાલ થઈ રહ્યો છે. તેમછતાં હજી ૭૦૦૦ કરતા વધુ ફાઈલો પડતર છે. જ્યારે તમામ ઝોનમાં વિવિધ ફરિયાદોની ૧૭૦૦૦ કરતાં વધુ ફાઈલોનો નિકાલ બાકી છે. ટેક્ષ વિભાગના કર્મચારીઓ છેલ્લા ૨ વર્ષ થી કોરોના ડ્યુટી કરી રહ્યાં હોવાથી ફાઈલોના નિકાલ થવામાં વિલંબ થયો છે.
મોટા ભાગની ફાઈલો ત્રણ કરતા પણ વધુ વર્ષોથી પડતર છે. ટેક્ષ ખાતાના કર્મચારીઓની નિષ્ક્રીયતા તેમજ ગેરહાજરીના કારણે ચાર-પાંચ વર્ષ પહેલાં સબમીટ કરવામાં આવેલ ખાલીબંધની ફાઈલોના નિકાલ થયા નથી. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરના મનસ્વી ર્નિણય બાદ આ તમામ ફાઈલો અભરાઈએ મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે કોઈપણ એક નાણાંકીય વર્ષ દરમ્યાન અલગ અલગ ઝોનમાં સબમીટ થયેલ ‘ખાલી-બંધ’ ની ફાઈલો પૈકી એક ઝોનમાં તેનો નિકાલ થયો હોય અને બીજા ઝોનમાં પ્રોસેસ જ ન થઈ હોય એવા સંજાગોમાં કરદાતાનીકોઈ ભૂલ હોતી નથી તેમ છતાં ‘ખાલી-બંધ’ નો લાભ આપવા માટે કમિશ્નર નનૈયો ભણી રહ્યા હતા જેના કારણે કરદાતાઓમાં રોષ અને નારાજગીની મિશ્ર લાગણી જાેવા મળ્યો હતો. તે આજે પણ યથાવત છે.