મ્યુનિ.કોર્પોરેશનના રૂ.ત્રણ કરોડની ઉચાપત કરનારને નોકરીમાં પરત લેવાનો તખ્તો તૈયાર
નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને બચાવવા
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદનમાં ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિ ની સજા માટે કોઈ ચોકકસ નીતિ અમલી નથી. જેના કારણો રૂ.ર૦૦-૩૦૦ ની ગેરરીતિમાં કર્મચારીને સસ્પેન્ડ કે રીમુવ કરવામાં આવે છે.
જયારે લાખો-કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કે નાણાંકીય ઉચાપત કરનારને સજાના બદલે શિરપાવ આપવામાં આવે છે. નાણાંકીય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરનારની રાજકીય વગ કેટલી છે? તેના આધારે તેની સજા નકકી થાય છે. ર૦૧પની સાલમાં બોડકદેવ સીવીક સેન્ટર પરથી રૂ.ત્રણ કરોડ કરતા વધુ રકમની નાણાંકીય ઉચાપત થઈ હતી. જેમાં બોડકદેવના ત્રણ અને મ્યુનિ.નાણા ખાતાના પાંચ કર્મચારીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે જયારે અન્ય પાંચ કર્મચારીઓને નિર્દોષ જાહેર કરી નોકરીમાં પરત લેવામાં આવી રહયા હોવાની વિગતો બહાર આવી છે !
નવા પશ્ચિમઝોનના બોડકદેવ સીટી સીવીક સેન્ટર પરથી રૂ.ત્રણ કરોડ કરતા પણ વધુ રકમની નાણાંકીય ઉચાપત થઈ હતી. મ્યુનિ. ઓડીટ વિભાગ દ્વારા કેન્સલેશનની પહોચો અને ભરણાચુક ની ચકાસણી કરતા સમયે આ કૌભાંડ બહાર આવ્યું હતું. ઓડીટખાતા એ માત્ર ઓગષ્ટ-ર૦૧પ થી ૧ર ઓગષ્ટ ર૦૧પ સુધીની ચીલનબુકની તપાસ કરતા રૂ.રર.૬૮ લાખની નાણાંકીય ઉચાપત થઈ હોવાની વિગતો જાહેર થઈ હતી.
ઓડીટ ખાતાના રીપોર્ટ બાદ નાણાં વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. મ્યુનિ. નાણા વિભાગે કરેલી અંશતઃ ચકાસણીમાં રૂ.ત્રણ કરોડની ઉચાપત થઈ હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. પરંતુ અગમ્ય કારણોસર કે રાજકીય દબાણવશ નાણા ખાતા એ રૂ.ત્રણ કરોડની ઉચાપત રકમ ઘટાડીને રૂ.૧.૩૦ કરોડ હોવાના રીપોર્ટ સબમીટ કર્યા હતા. ત્યારબાદ વીજિલન્સ તપાસના નાટક શરૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોડકદેવના ત્રણ કેશીયલ તથા નાણા ખાતાના બે કર્મચારી દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
જયારે અન્ય ત્રણ કર્મચારી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તત્કાલીન મ્યુનિ. કમીશ્નર દ્વારા સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ થયા હતા પરંતુ વિપક્ષની ઉગ્ર માંગણી બાદ બોડકદેવ ના ત્રણ કેશીયર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જયારે નાણાખાતાના કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. સદ્દર ઐતિહાસિક નાણાકીય ઉચાપતને ત્રણ વર્ષે થયા છે.
તેથી નાણાંખાતાના જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને પરત લેવાનો તખ્તો તૈયાર થઈ રહયો છે.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૧પમાં રૂ.ત્રણ કરોડની નાણાંકીય ગેરરીતિની વિગતો જાહેર થયા બાદ કોર્પોરેશને માત્ર ત્રણ હેડ કેશીયરો સામે જ પોલીસ ફરીયાદ કરી હતી. તથા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જયારે મ્યુનિ. નાણાં ખાતાના જુનીયર કલાર્ક સીનીયર કલાર્ક, કેશીયર અને આસી.મેનેજર સામે અગમ્ય કારણોસર પોલીસ ફરીયાદ કરવામાં આવી ન હતી.
જેના માટે ઉચ્ચ અધિકારીઓએ સ્વ-બચાવ માટે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની પણ ચર્ચા ચાલી હતી. મ્યુનિ. કોર્પોરેશને જે ત્રણ હેડ કેશીયરો સામે પોલીસ ફરીયાદ કરી છે. તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહયા છે. તંત્રએ ફરીયાદ કરીને સંતોષ માન્યો છે. પરંતુ નાણાં રીકવરી માટે કોઈ જ પ્રયાસ કર્યા નથી.
નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોઈના હુકમ બાદ રીકવરી થશે. કર્મચારીઓ નાણા જમા નહી. કરાવે તો તેમની મિલ્કતો જપ્ત થશે. નાણા ખાતાના અધિકારીના સદ્દર નિવેદન “ખુશ” થવા માટે યોગ્ય છે. પરંતુ તંત્ર એ રૂ.ત્રણ કરોડ ગુમાવ્યા છે. તે નકકર વાસ્તવીકતા છે. બોડકદેવ સીવીક સેન્ટરના ત્રણ હેડ કેશીયર રીમુવ પણ થઈ શકે છે. તેવા દાવા પણ અધિકારીઓ કરી રહયા છે.
જયારે નાણાખાતાના જે કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે તેમને પરત લેવા માટે ફાઈલ તૈયાર થઈ ચુકી છે. તથા ડે.મ્યુનિ. કમીશ્નર સહી જ બાકી છે. નાણા વિભાગના અન્ય ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે ઈન્ડ. રીલેશન ખાતા દ્વારા તપાસ કરાવીને ફાઈલ અભરાઈએ મુકવામાં આવી છે.
આ અધિકારીઓના જવાબ લઈને તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તથા દેખાવ ખાતર શો-કોઝ આપવામાં આવી રહી છે. જયારે જે કર્મચારીની સંડોવણી વધારે કે તેમના એક ઈન્ક્રીમેન્ટ કાપી લેવાની સજા કરવામાં આવશે. નાણા ખાતાના ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે આ તમામ પાંચ દોષિતોને
બચાવવા જરૂરી હતા. તેથી ગુના ને ત્રણ વર્ષ થઈ ગયા હોવાના કારણો દર્શાવી તેમને પરત લેવામાં આવી રહયા છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે બોડકદેવ સીવીક સેન્ટરના રૂ.ત્રણ કરોડ ઉચાપત માં નાણાં ખાતાના કર્મચારીઓની ૧૦૦ ટકા સંડોવણી હતી. નાણા સ્લીપની એક તરફ મુળ રકમ લખવામાં આવતી હતી. તથા બીજી તરફ ઉચાપત કરવામાં આવેલ રૂપિયા બાદ કરીને રકમ લખવામાં આવતી હતી.
તેમ છતાં નાણા ખાતાના કર્મચારીઓએ પુરી રકમના સિકકા સ્લીપ પર લગાવ્યા હતા. તથા કેશ (રોકડ)ની ગણત્રી માં પણ “સબ સલામત” હોવાની આલબેલ પોકારી હતી. આ પધ્ધતિથી બે વર્ષ કરતા પણ વધુ સમય સુધી પ્રજાના નાણાની ઉચાપત થતી રહી હતી. તેમ છતાં મ્યુનિ. નાણા ખાતાના એકપણ કર્મચારીને જાણ ન થાય તે બાબત માની શકાય તેમ નથી. પરંતુ આ કૌભાંડનો છેડો ખાતાના ઉચ્ચ અધિકારી અને તેમના ડેપ્યુટી સુધી આવ્યો હતો.
તેથી યેનકેન પ્રકારે તેમની સામે તપાસ ના નાટક કરીને ફાઈલો બંધ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ જે સમયગાળા દરમ્યાન થયું હતું તે સમયે નાણા ખાતામાં ફરજ બજાવનાર એક ઉચ્ચ અધિકારીઓને સજા કરવાના બદલે શિરપાવ આપવામાં આવ્યો છે. તથા હાલ, આ મહાનુભવ મ્યુનિ. કમીશ્ન કચેરીના સર્વેક્ષણ છે !