Western Times News

Gujarati News

નરોડામાં ડીવાયએસપીનો ડ્રાઈવર હોવાનો  રોફ બતાવી માતા – પુત્રી પર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થીતિ સાવ કથળી ગઈ છે ખુલ્લેઆમ મારામારી અને હત્યાની ઘટનાઓ ઘટતા સામાન્ય નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે ભરબપોરે એક શખ્સે કાર પાર્ક કરવાના મુદ્દે માતા-પુત્રી પર હુમલો કરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે આરોપી ગર્વમેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈને આવ્યો હતો અને તે પોતે ડીવાયએસપીનો ડ્રાયવર હોવાની કહી રોફ જમાવતો હતો આ શખ્સે યુવકનો સોનાનો દોરો પણ લુટી લીધો હતો લોકો એકત્ર થઈ જતાં આરોપી ભાગી છુટયો હતો આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના નવા નરોડામાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં રહેતા આશિષકુમાર શાંતિલાલ વ્યાસ પોતે એડવોકેટ છે અને ગઈકાલે રવિવારની રજા હોવાથી પત્નિ જાગૃતિ તથા બે પુત્રીઓ અને પુત્રને લઈ નરોડા વિસ્તારમાં જ આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.

મંદિરેથી દર્શન કર્યા બાદ તેઓ કાર લઈને પરત ફરતા હતા ત્યારે મંદિરથી થોડે દૂર આવેલા એક પાર્લરમાં આઈસ્ક્રીમ ખરીદવા માટે આશિષ વ્યાસ કાર પાર્ક કરીને પાર્લરમાં ગયા હતા આ દરમિયાનમાં જ આશિષ વ્યાસની કાર પાસે અન્ય એક કાર આવીને ઉભી રહી હતી અને તેમાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો.

ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી આ કારમાંથી નીચે ઉતરેલા શખ્સે કારમાં બેઠેલી આશિષની પત્નિ તથા બે પુત્રીઓ સાથે કાર અહી કેમ પાર્ક કરી છે તેવુ કહી ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો આ દરમિયાનમાં આશિષની પુત્રી યશસ્વીએ શાંતિથી વાત કરવાનું જણાવતા આ શખ્સ ઉશ્કેરાયો હતો અને તેણે હુમલો કરતા યશસ્વીને ઈજાઓ પહોંચી હતી

આ દ્રશ્ય જાઈ તેની માતા જાગૃતિએ બુમાબુમ કરી આ શખ્સથી પોતાની પુત્રીને છોડાવવા માટે વચ્ચે પડી હતી જેના પરિણામે આ શખ્સે જાગૃતિ પર હુમલો કરી તેના કપડા ફાડી નાંખ્યા હતાં  આ ઘટનાથી ભારે હોહામચી જતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા દરમિયાનમાં આ દ્રશ્ય જાઈ આશિષ વ્યાસ દોડી આવ્યો હતો અને તેણે પણ વચ્ચે પડી પોતાની પત્નિ અને પુત્રીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો

ઉશ્કેરાયેલા આ શખ્સે ધમકી આપી હતી કે તે ડીવાયએસપીની ગાડીનો ચાલક છે અને તમને લોકોને હું જાઈ લઈશ આવું કહી તેણે આશિષ ઉપર પણ હુમલો કરી તેનો સોનાનો દોરો લૂંટી લીધો હતો આશિષ અને તેના પરિવારજનો આ શખ્સ જે ગાડી લઈને આવ્યો હતો તેનો નંબર પણ નોંધી લીધો હતો. હુમલાનો ભોગ બનેલ પરિવાર સીધો જ નરોડા પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.