Western Times News

Gujarati News

પોલીસે ૧૦ દિવસના રેકોર્ડ ટાઈમમાં ચાર્જશીટ ફાઈલ કરી

વડોદરા: વડોદરામાં ૧૯ વર્ષની યુવતી કથિત બળાત્કાર અને આત્મહત્યાના કેસમાં પોલીસે રેકોર્ડ ટાઈમમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ કેસમાં પોલીસ દ્વારા કરાઈ રહેલી ઝડપી કામગીરીની પ્રશંસા થઈ રહી છે. વડોદરાના પોલીસે આ બળાત્કાર અને આત્મહત્યાના કેસનામાં ઝડપથી તપાસ કર્યા બાદ પૂરાવા એકઠા કરીને માત્ર ૧૦ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. રાજ્ય સરકારે પણ આ કેસ માટે સ્પેશિયલ સરકારી વકીલને કામગીરી સોંપવા અંગેની મંજૂરી આપી દીધી છે.

શહેરના પોલીસ કમિશનર શમશેર સિંઘ જણાવે છે કે, અમે ઝડપથી તપાસ શરુ કરી હતી અને આરોપીના જરુરી પુરાવા એકઠા કર્યા હતા. ૧૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા પાછળનો ઉદ્દેશ્ય કડક સંદેશ આપવાનો છે. આ પ્રકારના ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવે અને દોષિતોને સજા મળે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવે. પોલીસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલા વીર્યના નમૂનાનો રિપોર્ટ આવે તેની રાહ જાેઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ બન્ને આરોપીઓ દિશાંત કહાર અને નઝીમ મિર્ઝાએ બળાત્કાર કર્યો હતો કે નહીં તે બહાર આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં દિશાંતને મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવ્યો છે

જ્યારે નઝીમને ગુનામાં સાથી તરીકે ગુનેગાર ગણવામાં આવ્યો છે. નઝીમે પણ છોકરી પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી પરંતુ પીડિતાએ તેને સફળ નહોતો થવા દીધો. પોલીસ કમિશનરે આગળ એ પણ કહ્યું કે, મેં સોમવારે રાજ્ય સરકાર સાથે વાત કરી છે અને તેઓ આ કેસમાં એક સરકારી વકીલને તાત્કાલિક નિયુક્ત કરવા માટે સહમત થયા છે. છોકરી પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરતી હતી, તેની સાથે નોકરી કરતા આરોપીએ તેના જ ઘરમાં તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટના ૮ જૂનના રોજ બની હતી. યુવતીના પ્રેમીએ ઘટના અંગે પીડિતાના પિતાને જાણ કરી હતી. જે બાદ તેમણે આરોપીઓને બીજા દિવસે ઘરે બોલાવ્યા હતા.

પોલીસે કહ્યું કે પીડિતાના પિતાએ આરોપીને તમામ ફોટોગ્રાફ અને ચેટ ડિલિટ કરવા માટે કહ્યું હતું. યુવતીએ ૧૦મી જૂને આત્મહત્યા કરી લીધી હતી, આ પછી નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી દિશાંત અને નઝીમની ધરપકડ કરી લીધી હતી. યુવતી ઘરમાં એકલી રહેલી હોવાથી તેનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં યુવતીને દારુ પીવડાવ્યા બાદ તેની સાથે બળજબરી કરવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જાેકે, આ કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ બન્નેને પીડિતાના ઘરે લઈ ગયા હતા અને અહીં આરોપીઓની સાથે ઘટનાને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.