ગુજરાત સરકારને ૬૫ લાખનો ચૂનો લગાવનાર ક્લાસ ૧ અધિકારી સસ્પેન્ડ

પ્રતિકાત્મક
ગાંધીનગર: ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામક પદે રહી ચૂકેલા અધિકારી સામે છેતરપીંડી કરી વર્ષો સુધી લાખો રૂપિયાનું પેન્શન ચાંઉ કરી સરકારને ૬૫ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો આરોપ હતો. સરકાર આ પૈસાની રિકવરી કરે તે પહેલાં જ કૌભાંડી અધિકારી અમેરિકા ભાગી ગયા હતા. પ્રકાશન વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરતા હરેશ લિંબાચીયાએ સરકારી નોકરી દરમિયાન ખોટી રીતે પેન્શન લઈ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ સરકારે તપાસ હાથ ધરી હતી.
જણાવી દઈએ કે વર્ષો પહેલાં હરેશ લિંબાચિયા રાજકોટમાં સરકારી પ્રેસમાં નોકરી કરતા હતા અને ત્યાંથી વીઆરએસ લઈ લીધા બાદ તેમણે ૨૦૨૦-૧૧માં ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે નિમણૂંક પામ્યા હતા અને આ વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર બન્યા હતા. પરંતુ તેમણે અગાઉની નોકરીમાં રાજીનામા અંગે સરકારમાં કોઈ લેખિત જાણ કરી ન હતી. જેથી તેમને અગાઉની નોકરીનું પેન્શન પણ ચાલુ થઈ ગયું હતું.
જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે સરકાર પણ ઊંઘતી ઝડપાઈ છે, કોઈ એક અધિકારી જ સરકારનું પાકિટ મારી જાય અને સરકારને ખબર જ ન પડે તે ચિંતાજનક બાબત કહેવાય. ૧૧ વર્ષ પછી જાગેલી રાજ્ય સરકારે કૌભાંડી અધિકારી સામે કાર્યવાહી હાથ ધરી છે, તેમને પાઠ્ય પુસ્તક મંડળના તત્કાલીન નાયબ નિયામક પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કૌભાંડની તપાસ માટે ૩ સભ્યોની ટીમ બનાવાઈ છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી લિંબાચીયાને મુખ્ય કચેરીમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.