Western Times News

Gujarati News

પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી ગઈ

ટોરન્ટો: અમદાવાદઃ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. સોસાયટીના સભ્યો વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરવા ઉપરાંત એજીએમમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સેટેલાઈટ સુંદરવન એપીટોમમાં રહેતા અને તબીબ પરાગભાઇ શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ૨૦મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જાેકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે.

તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ તેણીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સોસાયટીના વૉટ્‌સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા. જેમાં સભ્યોની ટકોર બાદ તે ડીલિટ કર્યા હતા. પાયલ માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે, “ફેમિલી પ્લાનિંગ નથી કરતા.

અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ.” પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. ફરિયાદ પ્રમાણે પાયલે સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત સોસાયટીના બાળકોને પણ ‘અહીં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ’ તેવી ધમકીઓ આપી. આ મામલે અંતે સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.