રસીની ના પાડનારા સેનાના કર્મી સામે કાર્યવાહી પર રોક
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ભારતીય વાયુસેનાના જામનગરમાં તૈનાત એક કર્મચારીની અરજી પર નોટિસ જાહેર કરી છે. વાયુસેનાના કર્મચારીએ કોવિડ ૧૯ ની રસી લેવા અનિચ્છા દર્શાવ્યા બદા વાયુસેના દ્વારા તેને ફરજમુક્ત કરવા શો કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારે કર્મચારીએ આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી. ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ એપી ઠાકરની બેન્ચે આદેશ કર્યો કે, ભારતીય વાયુસેના અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવે. તેમજ વાયુસેનાના કર્મચારીની વિરુદ્ધ ૧ જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવે.
જામનગરમાં ઇન્ડીયન એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રકુમારે તેમને ૧૦ મેના રોજ મળેલી કારણ બતાવો નોટિસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વાયુસેનાએ આ નોટિસમાં કહ્યું હતું કે, રસીકરણની વિરુદ્ધ યોગેન્દ્રકુમારનું આ વલણ ઘોર અનુશાસનહીનતા બતાવે છે. ત્યારે આવા વલણમાં તેમનુ સેવારત રહેવુ અન્ય કર્મચારીઓ અને નાગરિકોના સ્વાસ્થય પર અસર કરી શકે છે.
અરજી કરનાર યોગેન્દ્રકુમારને જાહેર કરાયેલ નોટિસના હવાલાથી કહ્યુ કે, આઈએએફના અનુસાર, વાયુસેના જેવા અનુશાસિત દળમાં તમારી સેવા અનિચ્છીય છે અને તેમને સેવામાંથી હટાવવાની જરૂર છે. અરજીમાં તેમણે કહ્યું કે, રસી ન લેવાથી તેમને સેવામાંથી હટાવવુ એ ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૪ અને ૨૧ નું ઉલ્લંઘન છે. તો બીજી તરફ યોગેન્દ્રકુમારે પોતાની અરજીમાં કહ્યુ કે, કોવિડ ૧૯ ની રસી લેવા અનિચ્છા દર્શાવવાને કારણે તેને નોકરી પરથી કાઢી મૂકવો ગેરકાયદેસર, અસંવિધાનિક અને મનમાનીભર્યો ર્નિણય છે.
તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી કે, આ નોટિસ રદ કરવાનો આદેશ આપે અને ભારતીય વાયુસેના તેને રસી લેવા મજબૂર ન કરે. અરજી કરનારે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પોતાના સ્કોવડ્રનના કમાન્ડિંગ ઓફિસરને પત્ર લખીને કોવિડ ૧૯ ની રસી લેવા અનિચ્છા વ્યક્ત કરી હતી. કુમારે પોતાના આવેદનમાં કહ્યું હતું કે, પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તેઓ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ એલોપથી દવાઓ લે છે. આવામાં તેઓ રસી નહિ લે. ત્યારે આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.