અરમાન ફાયનાન્શિયલનું ધિરાણ ત્રિમાસિક ધોરણે 51 ટકા વધીને રૂ. 275 કરોડ થયું
એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 814 કરોડ રહી, ચોખ્ખો નફો રૂ. 10.6 કરોડ રહ્યો
અમદાવાદ, માઈક્રોફાયનાન્સ, ટુ-વ્હીલર્સ અને માઈક્રો-એન્ટરપ્રાઈઝ લોન ક્ષેત્રે કારોબાર ધરાવતી ગુજરાતની અગ્રણી નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપની અરમાન ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
ઓક્ટોબર-2020 પછી તમામ સેગમેન્ટ્સમાં ધિરાણમાં નોંધપાત્ર જોવા મળ્યો હતો. નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં ધિરાણ ત્રિમાસિક ધોરણે 51 ટકા વધીને રૂ. 275 કરોડ થયું હતું. કોવિડ-19ની બીજી લહેર હવે સમાપ્ત થઈ રહેલી જણાતી હોવાથી ધિરાણ પ્રી-કોવિડ સ્તરે પહોંચે તેવી શક્યતા છે.
માઈક્રોફાયનાન્સ સેગમેન્ટમાં કંપનીએ અગાઉના ત્રિમાસિક ગાળામાં લોન રિન્યૂઅલ પર મુખ્યત્વે ધ્યાન આપ્યું હતું. નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ નવા ગ્રાહકોને સર્વિસ આપવાનું શરૂ કર્યું હતું. નવી બ્રાન્ચ ખૂલવાના પગલે તથા કોવિડ-19ની પહેલી લહેરના લીધે લદાયેલા લોકડાઉન ખૂલ્યા બાદ આવેલી આર્થિક રિકવરીના લીધે માસિક ધિરાણ માર્ચ, 2021માં રૂ. 90 કરોડના સ્તરે પહોંચ્યું હતું.
નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીના પ્રદર્શન અંગે અરમાન ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મહામારી તથા નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં લદાયેલા લોકડાઉનના લીધે સમગ્ર માઈક્રો ફાયનાન્સ ઉદ્યોગ
માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ હોવા છતાં નાણાંકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીની કામગીરી મજબૂત રહી હતી. કંપનીની કલેક્શન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો હતો જે સપ્ટેમ્બર-2020માં 87 ટકાથી વધીને માર્ચ-2021માં 94 ટકાના સ્તરે પહોંચ્યું હતું. ચોથા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ એયુએમ રૂ. 814 કરોડ હતી.
રૂઢિચુસ્ત અભિગમ અખત્યાર કરતાં કંપનીએ વર્ષ દરમિયાન રૂ. 38.1 કરોડની જોગવાઈઓ ઊભી કરીને અને રૂ. 16.5 કરોડ માંડી વાળીને તેનું પ્રોવિઝન કવરેજ વધાર્યું હતું. 31 માર્ચ, 2021ના રોજ સંચિત કુલ જોગવાઈઓ રૂ. 51.4 કરોડ હતી જે ઓન-બુક એયુએમના 6.7 ટકા જેટલી હતી. આનાથી કંપનીને ભવિષ્યમાં કોવિડ-19ના લીધે થનારા સંભવિત નુકસાનને પહોંચી વળવામાં મદદ મળશે. 0.6 ટકા નેટ એનપીએ સાથે એસેટ ક્વોલિટી સ્થિર રહી છે.