અહમદ પટેલના જમાઈ સહિત સાંડેસરા ગ્રુપની સંપત્તિ ઇડીએ જપ્ત કરી
નવી દિલ્હી, સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત કરી છે.
સાંડેસરા ગ્રુપ કેસમાં ઇડીએ સેક્શન ૫ અંતર્ગત અહેમદ પટેલના જમાઈ સહીત કુલ ચાર લોકોની ૮.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરેલી આ સંપત્તિઓમાં ૩ વાહનો, વિવિધ બેંક એકાઉન્ટ, શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણોનો સમાવેશ થાય છે.
સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ સંજય ખાનની ૩ કરોડની સંપત્તિ, ડીનો મોરિયાની ૧.૪ કરોડની સંપત્તિ, અકીલ બચુલીની ૧.૯૮ કરોડની અને અહેમદ પટેલના જમાઈ અહેમદ સિદ્દીકીની ૨.૪૧ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીની તપાસમાં આ હકીકત સામે આવી છે કે સાંડેસરા બ્રધર્સે આ ચાર લોકોને વિવિધ સંપત્તિઓ ટ્રાન્સફર કરી હતી
જેમાં સંજય ખાનને ૩ કરોડ, ડીનો મોરિયાને ૧.૪ કરોડ, અકીલ બચુલીને ૧૨.૫૪ કરોડ અને અહેમદ સિદ્દીકીને ૩.૫૧ કરોડની સંપત્તિ આપ્યાનો ખુલાસો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના વિશ્વાસુ ગણાતા અહેમદ પટેલને પોતાના જીવનના અંતિમ દિવસોમાં તપાસ એજન્સીની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો.
ઇડી સાંદેસરા કૌભાંડમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલને ગત જૂન-જુલાઈમાં ત્રણ વખત પૂછપરછ કરી હતી. કોઈ દિવસે આ પૂછપરછ ૧૦ કલાક સુધી તો ક્યારેક આઠ કલાક સુધી ચાલી હતી. પૂછપરછ બાદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે ઇડીએ મને ૧૨૮ સવાલ પૂછ્યા હતા.
કોંગ્રેસના નેતા જુલાઈના બીજા સપ્તાહમાં થયેલી અંતિમ પૂછપરછ બાદ કહ્યું હતું કે, ‘ઇડીએ મને કહ્યું કે મારી પૂછપરછ પુરી થઈ ગઈ છે, મેં તેમને કહ્યું કે તમે જેટલા દિવસ ઈચ્છો તેટલા દિવસ મારી પૂછપરછ કરી શકો છો. જાે કે તેઓ સીનિયર સિટીઝન છે અને કોવિડ-૧૦ની ગાઇડલાઈનને કારણે તપાસ એજન્સીની ઓફિસમાં હાજરી નહીં આપી શકે.
જે બાદ ઘરે પહોંચેલી તપાસ એજન્સીની ટીમને ૭૦ વર્ષના અહેમદ પટેલે અનેક સવાલો કર્યા હતા, જેના જવાબ તેઓએ આપ્યા હતા. સાંડેસરા ગ્રુપ પર બેન્કો સાથે રૂ.૧૪,૫૦૦ કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે.
આ અગાઉ EDએ રૂ.૫૦૦૦ કરોડની છેતરપીંડીનો પણ કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે સાંડેસરા ગ્રુપે વિદેશમાં રહેલી ભારતીય બેન્કોની શાખાઓમાંથી પણ લગભગ રૂ.૯૦૦૦ કરોડની લોન લીધી છે.