ટોકિયો જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોનાની રસીના બંને ડોઝ પૂર્ણ કર્યા
અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને પોતાને કોરોના સામેના સુરક્ષા કવચથી સજ્જ કર્યા છે.
ટોકિયો ઓલમ્પિક્સની બેકસ્ટ્રોક સ્વીમીંગ સ્પર્ધામાં માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે. ઓલમ્પિક્સમાં ખેલાડી ભાગ લે તે પૂર્વે વેક્સિનેશન કરાવવું ખૂબ જ જરૂરી છે.ખેલાડીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક્સ કમિટી દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.
માના પટેલે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુસર અગાઉ કોરોનાનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો . હવે જ્યારે 21 દિવસ બાદ ટોક્યો ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે ત્યારે તેણીએ પોતાની અને અન્ય ખેલાડીઓની સ્વાસથ્ય સુરક્ષા અને કોરોના સામેની સલામતીને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણનો બીજો ડોઝ મેળવીને કોરોના રસીકરણ સંપૂર્ણ પણે પૂર્ણ કર્યું છે.
કોરોના રસીકરણ અંગે માના પટેલનું કહેવું છે કે, કોરોના મહામારીમાં કોરોના રસીકરણ જ અમોધ શસ્ત્ર છે.ત્યારે દરેક નાગરિકે કોરોના રસીકરણ જરૂરથી કરાવીને પોતાને કોરોનાથી સુરક્ષિત કરવા જોઇએ.
અર્બન હેલ્થ સેન્ટરના હેલ્થકેર વર્કર્સે માના પટેલના કોરોના રસીકરણ બાદ તેણીને ટોક્યો ઓલમ્પિક્સ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.