Western Times News

Gujarati News

“જેમને મોરારજીભાઈ દેસાઈ પોતાના ગુરૂદેવ તરીકે માનતા હતાં !!”

“શરીર પર માત્ર એક લંગોટી સિવાય બીજું કાંઈજ નહતું ! ખૂબ જ તેજસ્વી, શાંત અને આનંદમય એમનો દેખાવ હતો !!”

“સાચી દિશામાં, સાચા આશય અને સાચા ઉદ્રેશથી કરવામાં આવેલો તમારો આંતરિક પરિશ્રમ તમારું પોતાનું પરમકલ્યાણ તમારા પોતાના સૌથી મહાન આશીર્વાદ બની રહો !!”

“તમારું ભાવિ, તમારી નિયતિ, તમે તમારે માટે તથા બીજાંઓ માટે શાનું નિર્માણ કરો છો તેનો આધાર તમારા વિચારો (મનુષ્યોથી છૂપા- નહીં કે ભગવાનથી) – તમારી વિવિધ લાગણીઓ, ઉદ્રેશોની ગુણવત્તા તથા જગત અને તમારી આસપાસની દુનિયાની વસ્તુઓ, વ્યક્તિઓ તરફ તમે જુદાં જુદાં કેવા વલણો કેળવો છો તેના પર રહેલો છે !

આ બધા જ તમારા વર્તમાન અને ભાવિ ના જબરજસ્ત નિર્માતાઓ છે ! તેઓ તમને સુખી કે દુઃખી બનાવી શકે છે. તમારી અંદર પ્રકાર કે અંધકાર, સ્વર્ગ કે નર્કનું નિર્માણ કરી શકે છે. તમારે જે કાંઈ પણ ઉત્પન્ન કરવું હોય તે આપવામાટે ખેતર તો તૈયાર જ છે, તમે તેમાં શું વાવો છો તેના પર આધાર છે ! તેથી શાણા બનો ! આ હકીકતથી સભાન રહો !

તેના દુરૂપયોગથી સાવધ રહો ! તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમે તમારા પોતાના સૌથી મોટા સહાયક બનો ! સાચી દિશામાં સાચા આશય અને સાચા ઉદ્રેશથી કરવામાં આવેલો તમારો આંતરિક પરિશ્રમ તમારું પોતાનું પરમકલ્યાણ, તમારા પોતાના સૌથી મહાન આશીર્વાદ બની રહો !!!…

આ શબ્દો છે ગુરૂદેવ શ્રી રમણ મહર્ષિના, જેમને ભગવાન શ્રી રમણ મહર્ષિ તરીકે સૌ કોઈ જાણે છે ! વર્ષ ૧૯૩પના ઓગસ્ટ મહિનાની એક વાત યાદ આવી જાય છે – જ્યારે શ્રી મોરારજીભાઈ દેસાઈ રમણ મહર્ષિના આશ્રમની મુલાકાતે ગયા હતાં. એમની પ્રબળ ઈચ્છા, રમણ મહર્ષિના દર્શન કરવાની હતી !

રમણ મહર્ષિનો આશ્રમ તીરુવનમલાઈ નામના તીર્થસ્થળમાં છે ! શ્રી મોરારજીભાઈ દેસાઈનો અનુભવ એમના જ શબ્દોમાં સમજીએ ઃ- “એક ડુંગરની તળેટીમાં આશ્રમ હતો.

એ ડુંગરની ગુફામાં રમણ મહર્ષિએ વર્ષો સુધી સાધના કરી હતી અને એમને આત્મદર્શન થયું હતું એમ મેં સાંભળ્યું હતું ! રમણ મહર્ષિ બાળપણમાં મદુરામાં પોતાના મોટાભાઈની સાથે રહી ભણતા હતા. પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હતાં ત્યારે એમનું ધ્યાન ઈશ્વરને સમજવા પ્રત્યે ગયું અને ‘હું કોણ છું !’

એ વિષે પોતાની અંદર એ ખોજ કર્યા કરતા હતા. આથી ભણવા કરતાં એમનું ધ્યાન વધારે તો આ ખોજમાં જ વ્યસ્ત રહેતું !- એક દિવસ એમના મોટાભાઈ એ ચીડાઈને એમને કહયું કે “આવું જ તારું માનસ છે તો એ જ કામમાં કેમ લાગી જતો નથી ?” રમણ મહર્ષિએ વડીલ બંધુની આ આજ્ઞા મળી છે

એમ માની લીધું અને ત્યાર પછી બે-ત્રણ દિવસમાં જ કોઈને પણ કહ્ય્યા વગર તીરુવનમલાઈ તરફ ચાલી નીકળ્યા ! તીરુવનમલાઈ ક્યાં આવ્યું એની પણ એમને ખાસ ખબર જ ન હતી.. મદુરાથી એ ગાડીમાં બેઠાં અને વચ્ચે કોઈ સ્ટેશને ઉતરી ગયા- ત્યાંથી ફરીથી કોઈ ગાડીમાં બેઠા ત્યારે બાજુના અજાણ્યા ભાઈએ એમને તીરુવનમલાઈ ક્યાં આવ્યુ તેનો રસ્તો પણ સમજાવી દીધો ! તીરુવનમલાઈ ના એક પ્રાચીન મંદિરમાં એમણે પોતાનું સ્થાન રાખ્યું હતું !

એમની સાધનાનો પ્રકાર સાદો, અંદર અંતર મનમાં ઉંડે ઉતરવાનો હતો અને ‘હું કોણ છું’ એ જ શોધ એ કર્યા કરતા હતા ! મંદિરમાં લોકોની અવરજ્વર વધારે થયા કરતી હતી તેથી ત્યાંજ બાજુમાં એક ગુફા હતી જેમાં કોઈ જતું ન હતું – તેમાં એ ચાલી ગયા !… અને સાધના પૂરી કર્યા પછી જ ત્યાંથી એ બહાર નીકળ્યા.

મેં ત્યાં સાંભળ્યું હતું કે કોઈ ખાવાનું મૂકી જતાં તો એ ખાતા- ન મૂકી જાય તો ખાવાની એમને ચિંતા ન હતી ! કેટલાંક વર્ષો પછી એ બહાર નીકળ્યા ત્યારે એમનાં માતા ને કોઈએ ખબર આપી એટલે એમના માતા અને એમના ભાઈ એમને જાેવા ત્યાં આવ્યા હતા – એકબીજાને ઓળખી ગયા અને માતાએ એમની સાથે પાછા ફરવાનું કહયું ત્યારે રમણ મહર્ષિએ કહયું હતું કે એમણે સંસાર છોડી દીધો છે !

અને ત્યાર પછી (અરૂણાચલ)એ ડુંગરની તળેટીમાં એમણે આશ્રમ બનાવ્યો અને જીવનભર ત્યાં રહયા ! આશ્રમના શરૂઆતના દિવસોમાં એક વાર ત્યાં ચોર આવ્યા હતા. અને આશ્રમમાંથી વસ્તુઓ લઈને એ ચાલી ગયા હતા. ચોરતાં પહેલાં એમણે મકાનમાંથી બધાયને બહાર કાઢી મુક્યાં અને રમણ મહર્ષિને એક જાંઘ પર લાકડી ફટકારી ! રમણ મહર્ષિ કંઈજ બોલ્યા ન હતા- ચોરો જઈ રહયાં હતાં

તે વખતે શિષ્યોને રમણ મહર્ષિને માર માર્યાની વાતની ખબર પડી એટલે બધા ચોરોને પકડવા માટે દોડવા જતાં ત્યારે રમણ મહર્ષિએ એ બધાને રોક્યા અને કહયું કે ઃ ‘ચોરો એ ચોરોનું કામ કર્યું,…. આપણે આપણું કામ કરીએ !’ એમની પાછળ પડવાની જરૂર નથી ! અને ત્યારથી લોકો આશ્રમમાં જે કંઈ ધનધાન્ય મૂકી જાય તેનો તેજ દિવસે ઉપયોગ કરી નાખવો અને વધારે કાંઈ રાખવું નહીં તેવું એમણે નક્કી કર્યું !

આગળ જણાવતાં શ્રી મોરારજીભાઈ દેસાઈ કહેતાં કે મેં રમણ મહર્ષિ ના પહેલાં દર્શન જે મોટા ઓરડામાં તે બેસતા હતા ત્યાં કર્યા ! તે વખતે એક સોફા પર તેઓ બેઠાં હતાં – શરીર પર માત્ર એક લંગોટી સિવાય બીજું કાંઈજ ન હતું ! ખૂબજ તેજસ્વી, શાંત અને આનંદમય એમનો દેખાવ હતો ! હું એમની નજીક – સામે જ બેઠો.. પણ મેં એમને કાંઈ પૂછ્યું જ નહીં !

અને એમણે પણ મને કાંઈજ કહયું નહીં ! લગભગ દોઢેક કલાક જેટલો સમય હું ત્યાં જ એમની પાસે બેસી રહયો અને એમના મુખ તરફ બસ જાેતો જ રહયો ! જે પ્રખરતેજનો આવિર્ભાવ, શાંતિ અને આનંદ મેં એમના મુખ પર જાેયાં, અનુભવ્યાં તેવાં આજ સુધીમાં મેં કોઈના મુખ પર જાેયાં નથી –

અને જેટલો સમય હું ત્યાં બેઠો તેટલાં સમયમાં મારા મનમાં કોઈપણ પ્રકારની શંકા જાગી નહીં અને એમને કાંઈપણ પૂછવાનો વિચાર પણ મને આવ્યો નહીં ! અપાર શાંતિનો મેં અનુભવ કર્યો. મને ખાતરી થઈ ગઈ – ત્યાં બેસવા માત્રથી અને જે અનુભવ કર્યો તેથી- કે રમણ મહર્ષિ સિધ્ધ પુરુષ હતા. ધર્મ વિષે ત્યાં બેઠેલા અન્ય શિષ્યો તરફથી કોઈ પ્રશ્ન પૂછાતા હતા એનો એ જવાબ આપતા હતા, પણ એ સિવાય બીજું કંઈ પણ બોલતા ન હતા !

(આ વાત શ્રી મોરારજીભાઈ દેસાઈએ વર્ષ ૧૯૮ર-૮૩ આસપાસ એમના મુંબાઈ ખાતેના નિવાસ ‘ઓશીયાના’ બીલ્ડીંગ, નરીમાન પોઈન્ટ ખાતે મને કહી સંભળાવી હતી ! એમના શયનકક્ષમાં રમણ મહર્ષિની તસવીર એમની નજર આગળ જ રાખેલી હતી.)… બીજે દિવસે મારે બપોરની ગાડીમાં જવાનું હતું તેના દોઢેક કલાક પહેલાં એમની રજા લેવા હું ગયો ત્યારે એમણે મને માત્ર એટલું જ કહયું કે ‘જમીને જજાે’!

સવાદસ વાગે મારી સાથે જ એ પણ જમ્યા. જમીને મેં એમને પ્રણામ કર્યા અને હું ત્યાંથી રવાના થયો હતો ! રમણ મહર્ષિની મુલાકાત મારા જીવનમાં ચિર સ્મરણીય ઘટના તરીકે અંકાઈ ગઈ છે ! એમના સ્પંદનોની અસર મારા પર હંમેશને માટે રહી છે ! એમના સાનિધ્યમાં હું એટલું સમજ્યો કે માણસે આત્મદર્શન કરવાને માટે જાતે જ મહેનત કરવી જાેઈએ, સાધના કરવી જાેઈએ ! મારા અંતર ભાવથી મેં એમને મારા ગુરૂ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા !

રમણ મહર્ષિ ને છેલ્લા દિવસોમાં ખભા પાસે કેન્સર માટે ઓપરેશન કરવાનું નકકી થયું હતું. એમણે એમના શિષ્યો અને ડોકટરોને કહયું કે એ નિરર્થક પ્રયન્ત છે ! પણ બધાએ આગ્રહ કર્યો કે આપણે પ્રયાસ તો કરવો જ જાેઈએ, પરિણામ જે આવે તે ખરું !

ત્યારે એમણે ઓપરેશન કરવાની સંમતિ આપી પણ ઓપરેશન કરતાં પહેલાં એનેસ્થેસિયા આપવાને માટે જ્યારે એમને કહેવામાં આવ્યું ત્યારે તેમણે ધરાર તેનો ઈનકાર કર્યો હતો અને કહયું હતું કે “તમારે જે વાઢકાપ કરવી હોય તે કરો, હું પણ જાેતો રહીશ… મને એનાથી કાંઈ પણ દુઃખ લાગવાનું જ નથી !”… એટલે સર્જને વગર એનેસ્થેસિયા એ વાઢકાપ કરવાનું કામ કર્યું હતું અને એ આખો સમય ગાળો રમણ મહર્ષિનો ચહેરો સાક્ષીભાવે હસતો જ રહયો હતો. !

સિધ્ધ પુરૂષ સિવાય આટલીહદે સ્થિરતા અને દેહથી અલિપ્તતા બીજું કોઈ રાખી ન શકે એમાં શંકા નથી !! વર્ષ ૧૮૭૯માં જન્મેલાં આ મહાનપુરુષ રમણ મહર્ષિને સત્તરમાં વર્ષે આત્મજ્ઞાનરૂપી સિધ્ધિ પ્રાપ્ત થઈ હતી. વીસમી સદીના મહાન સંત તરીકે વિશ્વભરમાં એમની ગણના થાય છે ! અધ્વેત વેદાંતને સરળ રીતે સમજાવી આત્મજ્ઞાન પ્રાપ્તિના માર્ગની એમની માસ્ટર કી એટલે ‘હું કોણ છું’- આનું સતત મનોમંથન અને ખોજ !

ખીડકી નમસ્તે, કેમ છો ? આજે આટલું વિચારીએ !
જીવનની તકલીફોથી ટેવાઈ જાઓ. !
દુનિયાને તમારા કામથી મતલબ છે, વિચારોથી નહીં !

તમારે જીવનમાં જે જાેઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજિત કરીને કામે લાગી જાઓ !

પ્રયન્તો કરતા રહેવામાં કોઈ શરમ નથી ! તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણ શોધો !
તમારાં મા-બાપ તમારા ખર્ચ ઉઠાવી ઉઠાવીને થાકી ગયાં છે તે હકીકત બને તેટલું વહેલુ સમજી લો !

માણસ અને માણસાઈની વ્યાખ્યા તમારી દ્રષ્ટિએ શું છે ?

બિન જરૂરી ચંચૂપાત કે વણમાગી સલાહ આપવી એ તમારો સ્વભાવ તો નથી ને ?
જરૂર ન હોય ત્યાં બોલીને કે જરૂર હોય ત્યાં ચૂપ રહીને અન્યાય કરો છો ?
કુદરત જે કરે એ સારા માટે જ કરે છે એવું માનો છો ?
ભૂલી જવું એ સારું પણ માફ કરવું ઉત્તમ છે એમાં કેટલાં સંમત છો ?

તમારામાં એવું તો શું છે કે લોકો તમને નફરત કરે છે કે તમારા પર વારી જાય છે ?
બીજાના ખટકાથી ખોટવાતાં તમો કોઈકને ખટકો આપો છો ત્યારે અંતરાત્માનો અવાજ સંભાળય છે ?

અને છેલ્લે… તમે દિલથી ક્યારે રડ્યાં કે દિલથી હસ્યા હતાં ? યાદ છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.