અનંત અંબાણીને સોલાર એનર્જીની જવાબદારી સોંપતા મુકેશ અંબાણી
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ મેમ્બરમાં હવે અંબાણી પરિવારના સૌથી યુવા ચહેરા અનંત અંબાણીએ પણ સ્થાન લઇ લીધુ છે અને રિલાયન્સના નવા સોલાર એનર્જી બીઝનેસમાં અનંત અંબાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
અગાઉ તેના મોટાભાઇ આકાશ અંબાણી જીઓ ટેલીકોમ અને જીયો લીમીટેડ ઉપરાંત સાવન મીડિયા, રિલાયન્સ રીટેઇલના બોર્ડ મેમ્બરમાં સ્થાન મેળવી ગયા છે. જયારે અંબાણી દંપતિના પુત્રી ઇશા અંબાણી જીઓ પ્લેટફોર્મ તથા જીઓ લીમીટેડના લોન્ચીંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ રિલાયન્સ જીઓ ઇન્ફોકેમ તથા રિલાયન્સ રિટેઇલ વેન્ચરના ડિરેકટર છે અને રિલાયન્સ ફાઉન્ડેશનમાં પણ તેમના માતા સાથે કામ કરે છે.
જયારે અનંત અંબાણી તે 26 વર્ષના સૌથી યુવા ડિરેકટર તરીકે રિલાયન્સના ઓઇલ ટુ કેમીકલ બિઝનેસમાં સાઉદી કંપની અરામકો પાર્ટનર થવા જઇ રહ્યું તેમાં તેમને ડિરેકટર તરીકે સ્થાન આપવામાં આવ્યુ હતું. જયારે મુકેશ અંબાણીએ હાલમાં જ રિલાયન્સના મહત્વકાંક્ષી સોલાર બિઝનેસની જાહેરાત કરી છે. જેમાં રિલાયન્સ ન્યુ એનર્જી સોલાર અને રિલાયન્સ ન્યુ સોલાર એનર્જીમાં અનંત અંબાણી ડિરેકટર તરીકે સામેલ થયા છે.
તેઓ અગાઉ જીઓ પ્લેટફોર્મમાં પણ ડિરેકટર તરીકે ફરજ બજાવતા હતા. મુકેશ અંબાણીએ જો કે હજુ સુધી તેમના ત્રણેય સંતાનો વચ્ચે બીઝનેસના ભાગલા કર્યા નથી. પરંતુ તેઓ અવિધિસર રીતે તેમના બીઝનેસને અલગ-અલગ રીતે વહેંચી રહ્યા છે અને અંતે ત્રણેય સંતાનો વચ્ચે સંતુલન ભર્યો બિઝનેસ ફોર્મ્યુલા ઘડી કાઢશે. અગાઉ રિલાયન્સ ગ્રુપના સ્થાપક સ્વ.ધીરૂભાઇ અંબાણીની વિદાય બાદ મુકેશ અંબાણી તથા અનિલ અંબાણી વચ્ચે બિઝનેસનો વિવાદ થયો હતો અને બંને અલગ થયા હતા.
જેમાં મુકેશ અંબાણીએ રિલાયન્સનો મેઇન બીઝનેસ પેટ્રો કેમીકલ સંભાળી લીધા બાદ અનેક નવા બિઝનેસ શરૂ કર્યા છે. જેમાં ટેલીકોમ અને રીટેઇલ બીઝનેસ ફલેગશીપ જેવા બની ગયા છે અને હવે તેઓ બીનપરંપરાગત ઉર્જા એટલે કે સોલાર સહિતની એનર્જીમાં ઇલેકટ્રીક વાહનો માટેની બેટરી સહિતના બિઝનેસમાં પણ ઝંપલાવી રહ્યા છે.