યુવાનો જડથી ઊખડી ગયેલા વૃક્ષને ઊંચકી બીજે લઈ ગયા
રાંચી: એક તરફ કોંક્રિટના જંગલનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પ્રકૃતિ પ્રેમીઓ પણ આગળ આવી રહ્યા છે. જીવનમાં વૃક્ષોનું કેટલું મૂલ્ય છે તે આપણે સૌ જાણીએ છીએ. આવામાં વૃક્ષ કાપવું પડે તે જરુરી હોય ત્યારે ઘણાં પર્યાવરણ પ્રેમીઓની આંતરડી કકડી જતી હોય છે. આ લોકો વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા પ્રયાસો માટે સતત લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વૃક્ષને બચાવવા માટે કરેલા પ્રયાસની ભારે પ્રશંસા થઈ રહી છે.
વૃક્ષ જીવન છે છતાં તેને વિકાસના નામે કાપી નાખવામાં આવે છે, જાે ધરતી પર વૃક્ષ ના હોય તો તેનું અસ્તિત્વ ઝડપથી ખતમ થઈ જશે. આવામાં વૃક્ષો ઘટવાથી પર્યાવરણ પર થતી તેની અસર સ્પષ્ટ જાેઈ શકાય છે. આવામાં ઘણાં વૃક્ષોને બચાવવા માટેના સતત પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો વૃક્ષને કપાતા પણ બચાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીર તેનો મોટો પુરાવો બની રહ્યો છે. ૬ યુવાનો દ્વારા વૃક્ષને બચાવવા માટે જે મહેનત કરવામાં આવી રહી છે તે તમારું દિલ જીતી લેશે.
આ તસવીર ઝારખંડના ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે ત્રણ જુલાઈએ શેર કરી હતી, જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, આ તસવીર ૧૦૦૦ શબ્દો કરતા વધુ છે. આ તસવીરમાં છ યુવાનો એક લાકડાની મદદથી જડમૂળમાંથી ઉખાડેલા વૃક્ષને એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જતા દેખાય છે. આ છ યુવાનોએ વૃક્ષને પોતાના ખભા પર ઉઠાવેલું દેખાય છે. પર્યાવરણ પ્રત્યેનો આ યુવાનોનો પ્રેમ લોકોને ઘણો જ પસંદ પડી રહ્યો છે.
વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યેની યુવાનોની લગન લોકોને ઘણી જ પસંદ આવી રહી છે. એક તરફ વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે અહીં ઘટાદાર બનેલા વૃક્ષને કાપવાના બદલે તેને મૂળમાંથી ઉખાડીને બીજે લઈ જવાના ર્નિણયની ઘણી જ પ્રશંસા થઈ રહી છે.
એક યુઝરે લખ્યું છે કે મહાન લોકો દ્વારા મહાન કામ કરવામાં આવી રહ્યું છે. આ સૌનો હું આભાર. અન્ય એક યુઝરે લખ્યું છે કે, જે લોકો પર્યાવરણને સંતુલિત રાખવાના નામે માત્ર ફાઈલો સરકાવે છે તેમણે આ તસવીરમાંથી કંઈક શીખ લેવી જાેઈએ.
ડેપ્યુટી કલેક્ટર સંજય કુમારે શેર કરેલી તસવીરને મોટા પ્રમાણમાં લોકો પસંદ કરી રહ્યા છે. આ સાથે વૃક્ષોનું મહત્વ કેટલું છે તે અંગે પણ અહીં લોકો ચર્ચા કરી રહ્યા છે.