બિમાર પત્નીને સારવાર માટે પિયર મોકલતા ફરિયાદ થઈ
અમદાવાદ: બાપુનગરની યુવતીને લગ્નના દોઢ વર્ષ પછી વાની બીમારી થતા પતિ અને સાસુએ દવા કરાવવા સાથે માનસિક હિંમત આપવાની જગ્યાએ પિયરમાં મોકલી દીધી અને ઉપરથી કહ્યું કે જાે દવાના રુપિયા લઈ આવ તો જ અમે તને રાખીશું. કલ્પના કરો કે એક બીમાર વ્યક્તિ પર આ સ્થિતિમાં શું પસાર થયું હશે. જાેકે હવે યુવતીએ કંટાળીને પતિ અને સાસુ વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીની ફરિયાદ મુજબ બાપુનગરમાં રહેતી ૩૧ વર્ષીય યુવતીનાં લગ્ન ૨૦૧૩માં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન જીવનનનો શરૂઆતનો દોઢ વર્ષ સુધીનો તબક્કો સારી રીતે પસાર થયો હતો, પરંતુ એક દિવસ યુવતીને તાવ આવ્યો અને ત્યાર બાદ તેને વાની બીમારી હોવાનું નિદાન થયું. ત્યાર બાદથી તેના પતિ અને સાસુનો વ્યવ્હાર બદલાઈ ગયો હતો અને તેને નાનીનાની બાબતોમાં સાસુએ ભૂલો કાઢી હેરાન કરવાનું શરૂ કરી દીધું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાસુ કહેતાં હતાં કે, તારા પિયરમાં આરામ કરવા જતી રહે ત્યાંથી દવા કરાવ. વારંવાર આમ કહીને તેને પિયર મોકલી દેવામાં આવતી હતી. ત્યાર બાદ યુવતી સાજી થાય ત્યારે તેનો પતિ તેને તેડી જતો હતો, પરંતુ પતિ તરફથી પત્નીની બીમારીમાં કોઈ પ્રકારનો સાથ સહકાર મળતો ન હતો. પતિ યુવતી સાથે હોસ્પિટલ પણ જતો ન હતો તેમ જ તેને મેડિકલ સ્ટોરમાંથી દવા લાવવાનું કહે તો ઇનકાર કરી દેતો હતો. આ સંજાેગોમાં યુવતીને તેનાં સાસુ કહેતાં કે, તારી દવા કરાવવા માટે અમે સમર્થ નથી, તું તારા પિયરમાંથી દવાના પૈસા લઈને આવ તો જ તને રાખીશું એમ કહીને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા.
આ દરમિયાન યુવતીને ૨૦૧૭માં પતિ દવા અને આરામ કરવાના બહાને પિયરમાં મૂકી ગયો હતો. ત્યાર બાદથી તેને તેડવા આવ્યો ન હતો. પત્નીને પિયરમાં આરામ કરવાના બહાને મોકલી દીધા બાદ લાંબા સમય સુધી તેડવા ન આવતા યુવતીના પરિવારજનોએ તેના સાસરીએ ગયા હતા. જ્યાં પતિ અને સાસુએ કહ્યું હતું કે, તમારી દીકરીને લાંબા સમયની બીમારી છે, જેથી અમારે છૂટાછેડા લેવાના છે. આ કહીને રાખવાની સ્પષ્ટ ના પાડી હોવાનું યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ સંજાેગોમાં કંટાળીને યુવતીએ મહિલા શહેરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.