બ્લેક ફંગસના બાપ્સ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે લાયપોઝોમલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન આપવાના બહાને એક લાખની ઠગાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/injections.jpg)
Files Photo
જે વ્યક્તિ પાસેથી ઇન્જેક્શન મંગાવ્યા તે પહેલેથી જ જેલમાં હોવાનું સામે આવતા છેતરપિંડીની જાણ થઇ
સુરત, રાંદેર વિસ્તારમાં રહેતા યુવાનના પરિવારના સભ્ય હોસ્પિટલમાં દાખલ હોવાના કારણે તેને બ્લેક ફંગસના ઈન્જેક્શનની જરૂર પડી હતી. તેઓએ વાયા-વાયા સંપર્ક કરી અમદાવાદથી એક મેડિકલ સ્ટોરના મલિક પાસેથી બેલ્ક ફંગસના ઇન્જેક્શન મંગાવ્યા હતા. જેના એડવાન્સમાં એક લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા.
જોકે બાદમાં ઇન્જેક્શન ન આવતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિ પાસે ઇન્જેક્શન મંગાવ્યા છે તે તો પહેલેથી જ જેલમાં છે. જેથી આખરે બાદમાં યુવાનને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત એવી છે કે રાંદેર પાલનપુર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા રીતેશભાઇ રસિકલાલ મોદી ના પરિવારના સભ્ય એપ્રિલ મહિનામાં બ્લેક ફંગસની બીમારીમાં સપડાતા તેઓને લાયપોઝોમલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શનની જરૂરિયાત ઉભી થઇ હતી. દર્દીને અડાજણની બાપ્સ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાંથી લાયપોઝોમલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન લાવવા રીતેશભાઈને કહેવામાં આવતા તેઓએ સગાસંબંધીઓને વાત કરી હતી. આ દરમિયાન તેમના બનેવીને અમદાવાદમાં ક્રોસ રોડ પર હર્ષદ પરમાર નામના એક મેડિકલ સ્ટોરના મલિક પાસે ઇન્જેક્શન મળતા હોવાની જાણ થઇ હતી.
જેથી તેઓએ વાયા-વાયા તપાસ કરતા હર્ષદ પરમાર નામના વ્યક્તિનો રીતેશભાઈ પર ફોન આવ્યો હતો અને લાયપોઝોમલ એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન મળી જશે તેમ કહી રીતેશભાઈ પાસે એડવાન્સ પેટે રૂપિયા ૧ લાખ બે ટુકડામાં ઓનલાઇન ગુગલ-પે થી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જોકે બાદમાં ઇન્જેક્શન ન આવતા તેઓએ જે નંબર પરથી ફોન આવ્યો તેને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. જેથી રીતેશભાઈના બનેવીએ અમદાવાદમાં ક્રોસ રોડ પર તપાસ કરતા જાણ થઇ હતી કે જે વ્યક્તિના નામે ફોન આવ્યો હતો તે તો પહેલેથી જ જેલમાં છે. જેથી બાદમાં રીતેશભાઈ એ આ મામલે અડાજણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રીતેશભાઈની ફરિયાદ લઇ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.