કલોલ શહેરમાં કોલેરા ફાટી નીકળ્યો, પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ

Files Photo
કલોલ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગે માથું ઊંચક્યું છે. શહેરોમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ આવી રહ્યાં છે. ત્યારે કલોલમાં કોલેરાએ ઉથલો માર્યો છે. આ કારણે કલોલને કોલેરા નોટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા કલોલના બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ બે કિમી વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ મૂકાયો છે.
ગાંધીનગરનાં કલોલમા પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા ઉલટીનાં કેસો વધી રહ્યાં છે. કલોલનાં રેલવે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમા ગટરનું પાણી મિશ્રિત થતા ૭૦ કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ નોંધાયા હતા. કલોલમાં કોલેરાથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુની ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિસ્તારમાંથી પાણીનાં નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે નગરરપાલિકા ચીફ ઓફિસરને ગટરનાં બ્લોકેજને ઠીક કરવા સૂચના અપાઈ હતી.
કલોલ શહેરમા ઝાડા ઉલટીનાં કેસો વધી ગયા બાદ કલોલનાં ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત નૉટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો હતો. કલોલ શહેરમા ૩૫ જેટલા હેલ્થ કર્મચારીઓ ઉતારવામાં આવ્યા છે,
જે કલોલનાં અલગ અલગ વિસ્તારનું સર્વેલન્સ કરશે. તેમજ અલગ અલગ વિસ્તારનાં પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ સરવેમાં કલોલ રેવલે પુર્વ સહિત બીજા ૩ વિસ્તારોમા પણ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતુ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં ૭૦ કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ કલોલમાં નોંધાઈ ચૂક્યા છે.
કલોલના વકરેલા કોલેરા કેસ મામલે પૂર્વના બે કિલોમીટર વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચા-પાણીના લારી ગલ્લાં, નાસ્તાની દુકાનો બંધ કરવા આદેશ અપાયા છે. સાથે જ નોન-વેજની લારીઓ, ગલ્લાઓમા પાણીનું વેચાણ પણ બંધ કરાવા આદેશ અપાયા છે.