શક્તિશાળી સૌર તોફાન રવિ-સોમવારે પૃથ્વી ઉપર ત્રાટકશે

Files Photo
વોશિંગ્ટન: સૂર્યની સપાટીથી જન્મેલા એક શક્તિશાળી સૌર તોફાન ૧૬,૦૯,૩૪૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે.
આ સૌર તોફાન રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે પૃથ્વી પર ત્રાટકશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાને કારણે સેટેલાઈટ સિગ્નલ્સમાં બાધા આવી શકે છે. તેની અસર વિમાનની ફ્લાઇટ, રેડિયો સિગ્નલ, સંદેશાવ્યવહાર સાધનો અને હવામાન પર પણ જાેઇ શકાય છે.
સ્પેસ વેધર ડોટ કોમ વેબસાઇટ અનુસાર, સૂર્યના વાતાવરણમાંથી ઉદ્ભવતા સૌર તોફાનથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મોટા ભાગ વિસ્તારમાં નોંધપાત્ર અસર થઈ શકે છે. ઉત્તર અથવા દક્ષિણ અક્ષાંશમાં રહેતા લોકો રાત્રે સુંદર અરોરા જાેવાની અપેક્ષા રાખી શકે છે. ધ્રુવો નજીક આકાશમાં રાત્રે દેખાતા તેજસ્વી પ્રકાશને અરોરા કહેવામાં આવે છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાના અંદાજ મુજબ આ સૌર તોફાન ૧૬૦૯૩૪૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેની ગતિ હજુ પણ વધારે હોઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે જાે અવકાશમાંથી આવું તોફાન સીધુ જ પૃથ્વી પર ત્રાટકે છે તો દુનિયના લગભગ દરેક શહેરમાં વિજળી ગુલ થઈ શકે છે.
સૌર તોફાનને કારણે પૃથ્વીનું બાહ્ય વાતાવરણ ગરમ થઈ શકે છે, જેની સીધી અસર ઉપગ્રહો પર પડી શકે છે. જેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવી સિગ્નલમાં બાધા આવી શકે છે. પાવર લાઇનમાં કરંટ વધી શકે છે જેનાથી ટ્રાન્સફોર્મર્સ પણ બ્લાસ્ટ થઈ શકે છે. જાે કે, ભાગ્યે જ આવું થાય છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવા સૌર તોફાન સામે રક્ષણાત્મક ઢાલ તરીકે કાર્ય કરે છે.
૧૯૮૯ ના સૌર તોફાનના કારણે કેનેડાના ક્યુબેક સિટીમાં ૧૨ કલાક વીજળી ગુલ થઈ ગઈ હતી અને લાખો લોકોએ હાલાકી ભોગવી હતી. એ જ રીતે ૧૮૫૯માં સૌથી શક્તિશાળી જિયોમેગ્નેટિક તોફાન આવ્યું હતું. જેણે યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કને નષ્ટ કર્યું હતું.
આ દરમિયાન કેટલાક ઓપરેટરોએ કહ્યું કે તેમને ઇલેક્ટ્રિકનો શોક પણ લાગ્યો હતો, જ્યારે કેટલાક અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેમના ઉપકરણોનો ઉપયોગ બેટરી વગર પણ કરી રહ્યા છે. જ્યારે નોર્ધન લાઈટ્સ એટલી તેજસ્વી હતી કે આખા ઉત્તર પશ્ચિમ અમેરિકામાં લોકો રાત્રે પણ કોઈ કૃત્રિમ લાઈટ વગર છાપા વાંચવામાં સમર્થ હતા.