દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા રોડ ટ્રીપ પર નીકળ્યા
મુંબઈ: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટેલિવુડના પોપ્યુલર કપલ પૈકીના એક છે. ૮ જુલાઈએ વિવેક અને દિવ્યાંકાના લગ્નને પાંચ વર્ષ પૂરા થયા છે. ત્યારે એનિવર્સરીનું સેલિબ્રેશન કરવા કપલ રોડ ટ્રીપ પર નીકળ્યું છે. મુંબઈથી નીકળીને વિવેક અને દિવ્યાંકા અમદાવાદ આવી પહોંચ્યા છે. મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરીના વિવિધ વિડીયો એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યા છે. મુંબઈથી નીકળતા પહેલા દિવ્યાંકાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જાણકારી આપી હતી કે તેઓ એનિવર્સરી સેલિબ્રેશન માટે નીકળી રહ્યા છે. દિવ્યાંકાએ ઘરમાં કામ કરતી હોય તેવા પોઝ આપીને તસવીરો શેર કરતાં લખ્યું હતું,
“ઘરનું બધું જ કામ પૂરું થઈ ગયું. પ્રોફેશનલ કામ પણ જાતે અને ફોન દ્વારા પૂરું કરી દીધું છે. એનિવર્સરી ટ્રીપ ફાઈનલી શરૂ થઈ છે. આ તરફ વિવેક દહિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટ્રીપની શરૂઆતની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં વિવેક અને દિવ્યાંકા કારમાં બેસીને બર્ગરનો સ્વાદ માણતાં નજરે ચડે છે. વિવેકે તસવીરો શેર કરતાં લખ્યું, “રેડી, સ્ટેડી, પો. અને રોડ ટ્રીપ શરૂ થાય છે. મુંબઈથી રોડ ટ્રીપ શરૂ કર્યા બાદ દિવ્યાંકા અને વિવેકે વડોદરામાં હોલ્ટ લીધો હતો. દિવ્યાંકા અને વિવેક વડોદરાના માધવ બાગમાં રોકાયા હતા. આ હેરિટેજ મેન્શનની ઝલક દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી થકી બતાવી હતી.
જૂની ઈમારતો અને હરિયાળીએ દિવ્યાંકાનું દિલ ખુશ કરી દીધું હતું. વડોદરાથી અમદાવાદ આવતી વખતે હાઈવે પર દિવ્યાંકા અને વિવેકની ગાડી આગળથી ઢોરનું ટોળું જતું હતું, જેના કારણે કપલ થોડી મિનિટો માટે અટવાઈ પડ્યું હતું. આ દરમિયાન દિવ્યાંકા અને વિવેકે કેક ખાવાનો આનંદ લીધો હતો. હેરિટેજ સિટી અમદાવાદમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા હેરિટેજ હોટલ હાઉસ ઓફ એમ.જી.માં રોકાયા છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાઉસ ઓફ એમ.જી.ના તેના રૂમ અને અંદરની સજાવટની ઝલક બતાવી હતી. આ હેરિટેજ હોટલને જે પ્રકારે તૈયાર કરાઈ છે તે જાેઈને દિવ્યાંકા અવાચક રહી ગઈ હોય તેવું લાગે છે.