Western Times News

Gujarati News

‘આપ’ રાજભર અને ઓવૈસીના ગઠબંધનમાં સામેલ નથી : સંજય સિંહ

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ ગઠબંધનને લઈને ગતિવિધિઓ તેજ કરી દીધી છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે અસદુદ્દીન ઓવૈસી સાથે મળીને ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. સમાચાર હતા કે આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ આવી શકે છે, પરંતુ આપ નેતા સંજય સિંહે આનાથી ઇનકાર કરી દીધો છે.

આપ નેતા અને સાંસદ સંજય સિંહે મંગળવારના ટ્‌વીટ કરીને જણાવ્યું કે, ‘કેજરીવાલજી સાથે ઓમ પ્રકાશ રાજભરજીની મિટિંગ વિશે જે પણ સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે, તે જૂઠા અને પાયાવિહોણા છે. ઓ.પી. રાજભરજી જૂઠ બોલી રહ્યા છે, કેજરીવાલજીની તેમની સાથે કોઈ મુલાકાત નક્કી નથી થઈ અને ના તેમની સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન થઈ રહ્યું છે.’ ભાગેદારી સંકલ્પ મોરચાના સંયોજક ઓમ પ્રકાશ રાજભરે સોમવારના કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલથી ગઠબંધનને લઈને મુલાકાત કરશે અને આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે ભાગેદારી સંકલ્પ મોરચાની સાથે ગઠબંધનને લઈને ર્નિણયાક વાતચીત થશે. કેજરીવાલ સાથે મુલાકાત દરમિયાન આપ સાંસદ સંજય સિંહ પણ ઉપસ્થિત રહેશે.’

ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે, ‘થોડાક દિવસ પહેલા તેમની આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેમણે ખુદ પહેલ કરીને કેજરીવાલ સાથે વાતચીત કરી હતી અને હવે સામ-સામે બેસીને ગઠબંધન પર ર્નિણય થશે. આ વખતે યુપીમાં નાની પાર્ટીઓની નિર્ણાયક ભૂમિકા હશે.’ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે, બીજેપીએ મજબૂરીમાં અનુપ્રિયા પટેલને કેન્દ્રીય મંત્રી બનાવવા પડ્યા અને સંજય નિષાદને સાથે રાખવા પડ્યા છે.

તો બીજી તરફ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ નાની પાર્ટી સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છે. એઆઇએમઆઇએમના પ્રદેશ અધ્યક્ષ શૌકત અલીએ કહ્યું હતું કે, ભાગીદારી સંકલ્પ મોરચામાં ૮ પાર્ટીઓ સામેલ છે. આ મોરચાના સંયોજક ઓમ પ્રકાશ રાજભર છે અને યુપીમાં તેઓ એક મજબૂત ગઠબંધન બનાવવામાં લાગ્યા છે. અમારું લક્ષ્ય બીજેપીને સત્તામાં આવવાથી રોકવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.