Western Times News

Gujarati News

વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વધુ ગંભીર બનતા સ્ટ્રોમ વોટરની ડીઝાઈન બદલવાની ફરજ પડી

પ્રતિકાત્મક

એક ઈંચ કરતા ઓછા વરસાદમાં પણ પાણી ભરાય છે જે બાબત છેલ્લા દસ વર્ષમાં અનેક વખત પુરવાર થઈ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચાલુ વરસે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચથી નાંખવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈન તેમજ પ્રિ-મોન્સુન એકશન પ્લાન નિષ્ફળ સાબિત થયા છે. તેથી મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત વહીવટીતંત્રના બદલે સ્ટ્રોમ લાઈન અને કેચપીટો પર ઠીકરો ફોડવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિક ભાષામાં નિર્જીવ માનવામાં આવતી વસ્તુઓ પર દોષારોપણ કરી પરોક્ષ રીતે તંત્રની કામગીરી બિરદાવવામાં આવી છે તેમજ પ૦-પ૦ વર્ષના આગોતરા આયોજનના દાવા કરતા શાસકોને માત્ર ૧૦ વર્ષમાં જ સ્ટ્રોમ લાઈનની ડીઝાઈન બદલવાની ફરજ પડી છે જયારે માત્ર એક જ મહીનામાં ચોથી વખત કેચપીટોની સફાઈ કરવા માટે પણ સુચન કરવામાં આવ્યા છે સાથે- સાથે વરસાદી પાણી ભરાવવાના સ્પોટ વધી રહયા હોવાનો પણ આડકતરો ઈશારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે ૯૦૦ કી.મી. લંબાઈની સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે જેની ડીઝાઈન મુજબ એક કલાકમાં એક ઈંચ વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ છે. સ્ટ્રોમ લાઈનની “એક ઈંચ પાણી નિકાલ”ની ડિઝાઈનને જે તે સમયે વિશ્વકક્ષાની જાહેર કરવામાં આવી હતી

તેમજ બે-ત્રણ દાયકા સુધીના આયોજન કરવામાં આવ્યા હોવાના દાવા પણ થયા હતા પરંતુ માત્ર દસ વર્ષમાં જ દાવા અને જાહેરાતોના ફીયાસ્કા થયા છે જેના કારણે સ્ટ્રોમ વોટર લાઈનના નવા કામમાં ડીઝાઈન બદલવા માટે સુચના આપવામાં આવી છે. ગત્‌ રવિવારે થયેલા સાંબેલાધાર વરસાદ બાદ શાસકપક્ષને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ ચાલુ વરસે વરસાદી પેટર્નમાં મોટો ફેરફાર થયો છે તથા માત્ર ત્રણ સ્લોટમાં જ ૧૪ ઈંચ વરસાદ પડયો છે જેના કારણે પાણી નિકાલની સમસ્યા ગંભીર બની છે. આગામી સમયમાં પણ આ જ પ્રકારની મુશ્કેલી પેદા ન થાય તે માટે એક કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદી પાણીનો નિકાલ થાય તે મુજબ ડીઝાઈન તૈયાર કરવા ઈજનેર વિભાગને સુચના આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષ ના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી તે સમયથી કોંગ્રેસ પક્ષે તેની નિષ્ફળતાના અનેક પાસા ઉજાગર કર્યા હતા,  એક ઈંચ કરતા ઓછા વરસાદમાં પણ પાણી ભરાય છે જે બાબત છેલ્લા દસ વર્ષમાં અનેક વખત પુરવાર થઈ છે.

સ્ટ્રોમ વોટરની ડીઝાઈન બદલી અબજાે રૂપિયાનો ખર્ચ કરવાના બદલે તેમાં થયેલા ગેરકાયદેસર જાેડાણો દુર કરવામાં આવે તો પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હળવી બની શકે છે. રોડ, ફુટપાથ સહીતના કામોમાં લેવલ જળવાતા ન હોવાના કારણે પણ પાણીનો નિકાલ થવામાં સમય લાગી રહયો છે

જનમાર્ગ કોરીડોરના કારણે અનેક સોસાયટીઓના પાણી નિકાલ થતા નથી. મ્યુનિ. શાસકો ડીઝાઈનના નામે ઠીકરા ફોડયા વિના આ બધી બાબતો પર ધ્યાન આપે તે આવશ્યક છે. નવી ડીઝાઈનમાં પણ ગેરકાયદેસર જાેડાણો નહીં થાય તેની જવાબદારી કોણ લેશે ? તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.