Western Times News

Gujarati News

યુપી જેવા પોપ્યુલેશન કંટ્રોલ બીલ પર ગુજરાત રાજ્યની નજર

ગુજરાતે પોપ્યુલેશન કંટ્રોલ બીલનો અભ્યાસ શરૂ કર્યો

ગાંધીનગર, ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ શરૂ કરી દીધો છે.

રાજ્ય સરકારમાં રહેલા મહત્વના સૂત્રોએ આ બાબતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, ઉત્તપ્રદેશમાં રજૂ કરાયેલા પોપ્યુલેશન કંટ્રોલ બિલના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ ગુજરાત સરકારે શરૂ કરી દીધો છે. અત્યાર સુધીમાં આ મામલે કોઈ ઔપચારિક ર્નિણય નથી લેવાયો પરંતુ સરકાર નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો લેશે અને સામાન્ય નાગરિકોનો અભિપ્રાય પણ જાણશે, તેમ સૂત્રોએ જણાવ્યું.

સૂત્રોએ આગળ જણાવ્યું, સરકાર ઉત્તરપ્રદેશના પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલનો બારીકાઈથી અભ્યાસ કરી રહી છે. જાે રાજ્ય સરકાર આ પ્રકારનો કાયદો લાગુ કરવાનું વિચારે તો આગામી ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ શકે છે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ જેવું જાે ગુજરાત સરકાર લાવે તો ભાજપને રાજકીય દ્રષ્ટિએ ઘણો ફાયદો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ પોપ્યુલેશન (નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ) બિલ ૨૦૨૧નો ડ્રાફ્ટ થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ પ્રમાણે, જે દંપતીને બેથી વધુ સંતાનો હશે તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાથી માંડીને સરકારી નોકરીઓમાં અરજી કરવા પર રોક તેમજ સબસિડી સહિતના લાભ જતા કરવા પડશે.

રાજ્ય સરકાર જ્યારે પોપ્યુલેશન કંટ્રોલ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો ર્નિણય કરશે ત્યારે જુદા-જુદા વર્ગના હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરશે. બેથી વધુ બાળક લાવનાર દંપતી સામે યૂપીમાં કાયદાની હદમાં રહીને શિક્ષાત્મક દંડ કરવાની તેમજ સરકારી યોજનાઓનો લાભ નહીં આપવાની જાેગવાઈ કરવામાં આવી છે અને આ પ્રકારની સજા પર પણ ગુજરાત સરકાર વિચાર કરી શકે છે. જાે રાજ્ય સરકાર આ બિલને અપનાવશે તો બેથી વધુ બાળકો ધરાવતા વ્યક્તિને સરકારી નોકરી નહીં આપવાની અને હોય તો કાઢી મૂકવાની કલમોનો પણ સમાવેશ કરી શકે છે, તેમ સૂત્રોએ ઉમેર્યું.

રસપ્રદ બાબત તો એ છે કે, ગુજરાતમાં ૨૦૦૫થી એવો કાયદો છે કે, બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી નથી. ૨૦૦૫માં ગુજરાત લોકલ ઓથોરિટીઝ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્ય (પંચાયત, મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા.

લાંબા સમયથી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આ માપદંડ અમલી છે. હવે બધી જ સરકારી યોજનાઓ માટે લાગુ કરી શકાય છે. ટેક્સ ભરનારા લોકોનો એક મોટો વર્ગ એવું માનતો આવ્યો છે કે, અન્યોને અપાતા યોજનાના લાભ માટે તેમણે નાણાં પૂરા પાડવા પડે છે. જાે રાજ્ય સરકાર પોપ્યુલેશન કંટ્રોલ કાયદો અમલમાં મૂકે તો વધુ સારી ગુણવત્તાની આરોગ્ય અને શિક્ષણની સેવા પૂરી પાડી શકે છે, તેવો સૂત્રોનો અભિપ્રાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.