Adaniના હાથમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની કમાન
મુંબઈ: અદાણી ગ્રુપએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અત્યાર સુધી જીવીકે ગ્રુપ સંભાળતું હતું. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી. અદાણી ગ્રુપે ગત વર્ષ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારીનું અધિગ્રહણ કરશે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને કહ્યું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ હાથમાં લઈને અમે ખુબ ખુશ છીએ. મુંબઈને ગૌરવ મહેસૂસ કરાવવાનું અમારું વચન છે. અદાણી ગ્રુપ બિઝનેસ, લક્ઝરી અને એન્ટરટેઈન્મેન્ટ માટે ભવિષ્યની એરપોર્ટ ઈકોસિસ્ટમ ઊભી કરશે. અમે હજારો સ્થાનિક લોકોને નવી રોજગારી આપીશું.
આ ડીલ બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અદાણી ગ્રુપની ભાગીદાીર ૭૪ ટકા રહેશે. જેમાંથી ૫૦.૫ ટકા ભાગીદારીનું અધિગ્રહણ જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીની ૨૩.૫ટકા ભાગીદારીનું અધિગ્રહણ અલ્પાંશ ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રીકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી કરાશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.નો મેનેજમેન્ટ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. આ અગાઉ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. ના બોર્ડની કાલે બેઠક પણ થઈ હતી.