Western Times News

Gujarati News

પોતાને માર મારવાની ફરિયાદ ન લેતા PSI એ રાજીનામું આપ્યું

બિજનૌર: ઉત્તરપ્રદેશના બિજનૌરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં બજારમાં ધોળા દિવસે કેટલાક તત્વો દ્વારા પીએસઆઈને ઢોર માર મારી તેમનો પગ ફ્રેક્ચર કરી દેવાયો હતો. આ મામલે પીએસઆઈએ પોતાના જ પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવવા પ્રયાસ કર્યો હતો. જાેકે, તેના માટે ઉચ્ચ અધિકારીઓએ ઈનકાર કરી દેતા વ્યથિત થઈ ગયેલા પીએસઆઈએ નોકરીમાંથી જ રાજીનામું આપી દીધું છે. હાલ પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પીએસઆઈ અરુણ કુમાર રાણા (ઉં. ૪૦ વર્ષ)ને એક સ્થાનિક વકીલ અને હિંદુવાદી સંસ્થાના મેમ્બર એવા વકીલ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્શનના કલાકોમાં જ તેમના પર હુમલો થયો હતો. યુપી પોલીસમાં જાેડાયા અગાઉ પીએસઆઈ રાણા બીએસએફ અને સીઆઈએસએફમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે પોતાના પોલીસ સ્ટેશનની હદમાં એક વગદાર માણસને તપાસ કર્યા વિના કેરેક્ટર સર્ટિ. ઈશ્યૂ કરવાનો ઈનકાર કરી દેતા આ બબાલ થઈ હતી.

પોતાના પર ઘાતકી હુમલો થયા બાદ જ્યારે પીએસઆઈ રાણા પોતે જ્યાં ફરજ બજાવતા હતા તે બિજનૌર જિલ્લાના જાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. જાેકે, તેમના ઉપરી અધિકારીઓએ રાણાએ જે નામ આપ્યા તેમની સામે ફરિયાદ લખવાને બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખી હતી. પોતાની સાથે જ આવું વર્તન થતાં હચમચી ઉઠેલા પીએસઆઈ રાણાએ નોકરીમાંથી રાજીનામું ધરી દીધું હતું. જાેકે, પીએસઆઈના રાજીનામાં પર બબાલ થતાં ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી તેમને શરત સાથે નોકરી પર પરત લીધા હતા. તેમની સામે ખાતાકીય તપાસ પૂર્ણ થયા બાદ જ તેમની નોકરી ચાલુ થશે,

આ સિવાય તેમના પર હુમલો કરનારા બે શકમંદોને પણ પોલીસે ઝડપી લીધા છે. રાણાને સ્થાનિક વકીલ ઉમંગ કાકરાન સાથે બબાલ થઈ હતી. ગત ગુરુવારે તેમણે કાકરાનને કેરેક્ટર સર્ટિ. તપાસ કર્યા વિના ઈશ્યૂ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એવા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કે રાણાએ વકીલને લાફો પણ માર્યો હતો. આ ઘટનાના બે દિવસ બાદ રાણાને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી. પોતે સસ્પેન્ડ થયા તેના કલાકોમાં જ રાણા પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. તમામ હુમલાખોરોએ માસ્ક પહેર્યું હતું,

રાણા કરિયાણું ખરીદવા નીકળ્યા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. જેમાં તેમના પગમાં ફ્રેક્ચર થઈ જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. રાણાએ જણાવ્યું હતું કે તેઓ કેરેક્ટર સર્ટિ.ના કાગળ પર તપાસ વિના સહી કરવા નહોતા ઈચ્છતા. જાેકે, તેમણે તેના માટે ઈનકાર કર્યો ત્યારે તેમના પર દબાણ કરાયું હતું. ત્યારબાદ ઉમંગ કાકરાને તેમના વિરુદ્ધ ફરિયાદ કરી દેતા તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ ભરબજારમાં તેમના પર હુમલો કરાયો હતો, હુમલાખોરોને પણ તેઓ જાણતા હતા. જ્યારે તેઓ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા તો તેના માટે ઈનકાર કરી દઈ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ લખવામાં આવી હતી.

આ ઘટના બાદ તેઓ જિલ્લા એસપી ઓફિસમાં પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા હતા. જાેકે, તેમનું રાજીનામું નહોતું સ્વીકારાયું. ત્યારબાદ તેમણે એસપી, ડીઆઈજી અને એડીજીને રાજીનામું ઈમેલમાં મોકલ્યું હતું. આ મામલે બિજનૌરના એસપી ધર્મવીર સિંહે જણાવ્યું હતું કે એક એક્ટિવિસ્ટને લાફો મારવા બદલ પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. પોલીસે ઉમંગ કાકરાન સહિત બે આરોપીની ધરપકડ કરી છે. જાેકે, રાણાએ પોતાને રાજીનામું આપ્યું હોવાનો તેમણે ઈનકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.