Western Times News

Gujarati News

મુંબઈમાં અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ રેડ એલર્ટ જારી

મુંબઇ: શનિવારથી ભારે વરસાદથી અસ્તવ્યસ્ત બનેલા મુંબઇ પર વરસાદી કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હાલમાં હવામાન ખાતાએ મુંબઇમાં અતિ ભારે વરસાદની સંભાવનાને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

શનિવાર સાંજથી શરુ થયેલા ભારે વરસાદે રવિવાર સવાર સુધી મુંબઇના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કર્યા હતા. જેના લીધે ૨૪ કલાક દોડતી મુંબઇનું સામાન્ય જનજીવન ખોરવાયું છે. હવામાન ખાતા (આઈએમડી)એ બુધવારે મુંબઇમાં અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૨૪ કલાક દરમિયાન મુંબઇમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

જાેકે આ સ્થિતિ ખાલી મુંબઇની જ નથી. હવામાન વિભાગે મુંબઇ સાથે થાણે, પાલઘર અને રાયગઢના પણ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હેઠળ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પહેલા હવામાન વિભાગે મુંબઇ, થાણે અને પાલઘરને લઇને ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. પરંતુ અતિ ભારે વરસાદી હવામાન જાેતાં આઈએમડીએ ઓરેન્જ એલર્ટને બદલે હવે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે, ૨૨ જુલાઇ દરમિયાન મુંબઇ સહિત થાણે, પાલઘર અને રાયગઢમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન વૈજ્ઞાનિક કેએસ હોસાલિકરે ટ્‌વીટ કરી છે કે, મુંબઇ, થાણે અને આસપાસના અનેક વિસ્તારોમાં વિતેલા ૩ કલાકમાં દરમિયાન ૪૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદી માહોલ બની રહેશે.

બુધવારે પડેલા અતિ ભારે વરસાદને લીધે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે રોડ-રસ્તા બ્લોક થતાં ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.